અમદાવાદઃ પાવાગઢ ખાતે જૈન તીર્થંકરોની પ્રતિમાજીની તોડફોડ અંગે કેટલાક દિવસોથી જૈન સંઘો દ્વારા આંદોલન ચાલી રહ્યું હતું. આ ઘટનાને પગલે પાવાગઢ મંદિર ટ્રસ્ટના ચેરમેન સુરેન્દ્રભાઈ પટેલ બુધવારે રાષ્ટ્રસંત આ.પદ્મસાગરસૂરિજી મ.સા. વંદન કરવા માટે કોબા મહાવીર ધામ તીર્થમાં આવ્યા હતા. જ્યાં તેમણે પૂજ્યશ્રી પાસે આ સમગ્ર ઘટના અંગે ક્ષમાપના કરી હતી. આ ભગવંત અજયસાગરસૂરિજી મ.સા. તરફથી આ સમગ્ર ઘટનાના લીધે જૈન સંઘને ખૂબ જ આઘાત લાગવાની સાથે દુઃખની લાગણી અનુભવે છે. તેની સાથે જ ભવિષ્યમાં ફરી આવી કોઈ પણ પ્રકારની ઘટના ન બને અને પરસ્પર સૌહાર્દ જળવાયેલો રહે તે માટે સૂચનો કર્યા હતા. જેના પગલે સુરેન્દ્રભાઈ પટેલે પણ આ પ્રસંગે સંતોને ભવિષ્યમાં ફરી આવી કોઈપણ ઘટના નહીં બને તે માટે બાંહેધરી આપી હતી. વડીલ આચાર્ય ભગવંત દ્વારા પ્રવર સમિતિના નિર્દેશને અને ક્ષમા વિરસ્ય ભૂષણમ્ પદને ધ્યાનમાં રાખી ક્ષમાપનાનો સ્વીકાર કર્યો હતો.

