રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણની અટકળો

Wednesday 26th June 2024 06:00 EDT
 
 

ગાંધીનગરઃ રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનના અગ્નિકાંડની તપાસ માટે રચાયેલી એસઆઇટીનો રિપોર્ટ સરકારમાં જમા થયાના બીજા જ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. તાજેતરમાં લોકસભા ચૂંટણી સાથે વિધાનસભાની 5 બેઠક પરની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારો વિજયી થયા છે. તે પછી ગુજરાત સરકારમાં સંભવિત વિસ્તરણની ચર્ચા માટે પણ મુખ્યમંત્રીને વડાપ્રધાને દિલ્હી બોલાવ્યા છે. જો કે મુખ્યમંત્રીની વડાપ્રધાન સાથેની 2022ની ચૂંટણી બાદની એક્સક્લુઝિવ એવી આ ત્રીજી મુલાકાત છે. આ મુલાકાતમાં અન્ય કોઈપણ વ્યક્તિ હાજર ન હોવાથી અહીંની ચર્ચા માત્રને માત્ર ગુજરાત સરકાર અને તને લગતા મુદ્દાને સ્પર્શતી જ હોવાની શક્યતા વધુ છે. અલબત્ત આવનારા સમયમાં ગુજરાતમાં ભાજપના સંગઠનને લઇને બદલાવ આવી શકે છે તેને લઇને પણ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હોવાની સંભાવના રહેલી છે.
મુખ્યમંત્રીની વડાપ્રધાન સાથેની મુલાકાત બાદ મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા તેજ બની હોવાથી હવે પોરબંદર બેઠક પરથી ચૂંટાયેલા અર્જુન મોઢવાડિયા તેમજ વિજાપુર બેઠકના ધારાસભ્ય સી.જે. ચાવડા મંત્રીમંડળમાં સમાવિષ્ટ થઇ શકે છે. મોઢવાડિયાએ આ અઠવાડિયે જ ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ મોઢવાડિયા પણ ખુશખુશાલ જણાતા હતા.


comments powered by Disqus