રાજ્યમાં મેઘરાજાની ધબધબાટીઃ હવામાન વિભાગનું પાંચ જિલ્લામાં રેડ એલર્ટ

Wednesday 26th June 2024 06:00 EDT
 
 

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાનો માહોલ બરાબરનો જામ્યો છે. ભારે વરસાદના કારણે ચૂડાનો વાંસલ ડેમ ઓવરફ્લો થતાં નીચાણના વિસ્તારોને એલર્ટ કરાયા છે. આ તરફ ઉપરવાસમાં વધુ વરસાદના કારણે દેવગઢ બારિયાની પાનમ નદીમાં અચાનક પૂર આવતાં ટ્રેક્ટર તણાયું હતું. હવામાન વિભાગ દ્વારા દ્વારકા, જામનગર, વલસાડ, દમણ અને દાદરા - નગરહવેલીમાં રેડ એલર્ટ અપાયું છે.
મધ્ય ગુજરાત
ચોમાસું સક્રિય થતાં જ વડોદરામાં 23 જૂનની મોડી રાતથી જ વરસાદી માહોલ જામ્યો હતો. જો કે અડધા ઇંચ વરસાદે પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી હતી, શહેરમાં 10 જેટલાં સ્થળે પાણી ભરાયાં હતાં. આણંદના ઉમરેઠ, ભાલેજ, પણસોરામાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. છોટાઉદેપુરના રાજપુરાથી પસાર થતી અશ્વિન નદીમાં ધોધમાર વરસાદથી પૂર અને રાજપુરા સંપર્કવિહોણું બન્યું હતું.
ઉત્તર ગુજરાત
ગાંધીનગર જિલ્લામાં પણ સોમવાર અને મંગળવારે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં વાવોલ, કોલવડા, કુડાસણ, સરગાસણ, પેથાપુરમાં વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. અરવલ્લીના ભિલોડા, બાયડ અને માલપુરમાં વરસાદથી પશુપાલકો અને ખેડૂતોને રાહત મળી છે.
સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ હેત વરસાવ્યું છે. સોમવારે જામજોધપુરમાં 5, ખંભાળિયામાં 4, લાલપુરમાં 35, કાલાવડમાં 2, ભાણવડમાં દોઢ, જામનગર અને ઉપલેટામાં 1, રાજકોટમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, ધ્રોલ, જોડિયા, લાઠી, બાબરા, જાફરાબાદમાં ઝાપટાં વરસ્યાં હતાં. ખંભાળિયામાં સોમવારે સાંજે આઠ વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી 71 મિ.મી. વરસાદ થયો હતો.
દક્ષિણ ગુજરાત
સુરત, ભરૂચ, નર્મદા જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થતાં ધરતીપુત્રોએ શેરડી, ડાંગર અને કપાસના પાકની વાવણી શરૂ કરી દીધી છે. ડાંગમાં સાર્વત્રિક વરસાથી ચારેતરફ લીલોતરી છવાઈ છે. નદીઓમાં નવાં નીરની આવક સાથે નાના-મોટા ધોધ સક્રિય થયા છે. આહવા વઘઈ માર્ગ નજીક શિવઘાટ સક્રિય થતાં નયનરમ્ય દૃશ્યો સર્જાયાં છે.

કાલાવડના મુરીલા પંથકના ઉપરવાસ વિસ્તારમાં ત્રણ ઇંચથી વધુ પાણી વરસતાં નદીમાં પૂર આવ્યું હતું. જેના પગલે સોમવારે નદી પાર કરવા માટે વિદ્યાર્થીઓની બસને કાંઠે જ રોકી દેવાઈ હતી. જે બાદ સરપંચ સહિત ગામના અગ્રણીઓએ સમયસૂચકતા વાપરી બસમાંથી વિદ્યાર્થીઓને ઉતારી સામેકાંઠે પહોંચાડ્યા હતા. 


comments powered by Disqus