અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસ મૃતપ્રાય અવસ્થામાં છે. વિધાનસભામાં નબળા પ્રદર્શનને કારણે કોંગ્રેસ વિધાનસભામાં વિપક્ષનું પણ સ્થાન મેળવી શકી નથી. આ તરફ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની બેઠક જીત્યા બાદ હવે રાહુલ ગાંધીનું ધ્યાન ગુજરાત તરફ દોરાયું છે. રાહુલ ગાંધીએ ચૂંટણી રણનીતિકારોને ગુજરાત કોંગ્રેસને પુનઃ જીવિત કરવા શું કરવું જોઈએ તેનો રોડમેપ તૈયાર કરવા આદેશ આપ્યો છે.
બનાસકાંઠાની ચૂંટણી ગુજરાત કોંગ્રેસ માટે ઉદાહરણરૂપ બની છે. જો ઉમેદવાર સમક્ષ હોય તો શામ, દામ, દંડ અને ભેદની નીતિ જ નહીં, સરકારી મશીનરી સામે પણ જીત મેળવી શકાય છે. ગેનીબહેન ઠાકોરે તો ભાજપની એકલા હાથે હેટટ્રિક રોકી છે, પરંતુ આ વખતે કોંગ્રેસે આણંદ, પાટણ, સુરેન્દ્રનગર, ભરૂચ, સાબરકાંઠા સહિત અન્ય બેઠકો પર ભાજપને ટક્કર આપી છે. 5 લાખની લીડથી 26 બેઠકો જીતવાનો દાવો કરનારા ભાજપને માત્ર ચારેક બેઠકોને બાદ કરતાં અન્ય બેઠક પર ધાર્યા મત મળ્યા નથી.
ગુજરાતની બદલાયેલી રાજકીય પરિસ્થિતિને જોતાં કોંગ્રેસ હાઇકમાન્ડે ગુજરાત તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેમ કે ખુદ રાહુલ ગાંધીએ રાજકોટ અગ્નિકાંડમાં એન્ટ્રી મારી છે. સૂત્રોના મતે રાહુલે તેમના ચૂંટણી રણનીતિકાર અને કોર ટીમને આદેશ આપ્યો છે કે, આગામી પંચાયત - પાલિકાથી માંડીને વિધાનસભાની ચૂંટણીઓ આક્રમકતા સાથે લડવા માટે રોડ મેપ તૈયાર કરો, આ ઉપરાંત મજબૂત સંગઠન માટે શું કરી શકાય તે માટે આયોજન કરવા સૂચના આપી છે.

