વડોદરાઃ વાડી સ્વામિનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી જગતપાવન સ્વામી સામે 7 જૂને દુષ્કર્મની ફરિયાદ થઈ હતી અને હજી સુધી આરોપી ઝડપાયા નથી. આ અંગે સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિએ વડોદરા પોલીસ ઢીલી તપાસ કરી રહી હોવાનો આરોપ કર્યો છે. વડતાલ સ્વામિનારાયણ સંસ્થાના આચાર્ય પક્ષના સમર્થક હસુ વાઘાણીએ આરોપ લગાવ્યો છે કે, સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપી જગતપાવન સ્વામીને વડોદરા પોલીસ ઝડપી શકી નથી, જેને લઈ અનેક સવાલ ઊભા થયા છે.
સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા વડતાલમાં વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું, જ્યારે બુધવારે સુરતમાં અને વડોદરામાં પણ કલેક્ટર કચેરીએ પહોંચી હરિભક્તોએ બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. હસુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સંપ્રદાયમાં કહેવાતા સાધુઓ વંઠી ગયા છે અને ખરાબ ધંધા કરે છે એમને હાંકી કાઢવા જોઈએ. અમારી માગ એવી છે કે આવા સાધુને સંપ્રદાયથી હાંકી કાઢવા જોઈએ.
વડતાલ સ્વામિનારાયણ મંદિરે 13 હરિભક્તો સામે ફરિયાદ નોંધાવી
વડતાલ સ્વામિનારાયણ મંદિરનો વિવાદ વકરતો જાય છે. સાધુએ યુવતીનું શારીરિક શોષણ કર્યાની ફરિયાદ બાદ સંપ્રદાયનું નામ ન બગડે તે માટે હરિભક્તોએ વડતાલ મંદિરમાં ધૂન બોલાવી રજૂઆત કરી હતી. જે સંદર્ભે વડતાલ મંદિરના ટ્રસ્ટી પ્રશાસને રજૂઆત કરવા આવેલા અમદાવાદ, સુરત અને વડતાલના 13 હરિભક્તો સામે મંદિરના સેવક મારફતે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

