જૂનાગઢઃ ગુજરાતમાં 75મા ગણતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢના આંગણે થઈ. જૂનાગઢના પીટીસી ગ્રાઉન્ડમાં આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વંજવંદન બાદ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ગુજરાત પોલીસના જવાનો દ્વારા રજૂ કરવામાં આવેલાં દિલધડક બાઇક સ્ટંટ આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં.
પરેડમાં અલગ-અલગ 25 પ્લાટુન જોડાઈ
75મા ગણતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં કોસ્ટગાર્ડ, બીએસએફ, ચેતક કમાન્ડો ફોર્સ, ગુજરાત મરિન કમાન્ડો ફોર્સ, એસઆરપી, ગુજરાત જેલ વિભાગ સહિત વિવિધ જિલ્લા પોલીસની 25 પ્લાટુન પરેડમાં જોડાઈ હતી.
મહિલા પોલીસ દ્વારા કોરિયાગ્રાફી કાર્યક્રમ
ગુજરાતની મહિલા પોલીસે દિલધડક કોરિયોગ્રાફી કાર્યક્રમ રજૂ કરી નારી શક્તિનાં દર્શન કરાવ્યાં હતાં. તિરંગાના રંગમાં સજ્જ ત્રણ ટીમોએ પરેડ ગ્રાઉન્ડ પર અલગ-અલગ ફોર્મેશન દ્વારા સલામી આપતાં કરતબોનું પ્રદર્શન કર્યું હતું, જેને નિહાળી ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ થયા હતા.
જૂનાગઢને રૂ. 617 કરોડના વિકાસકામની ભેટ
જૂનાગઢ ખાતે 75 મા ગણતંત્ર પર્વની ઉજવણી થઈ, ત્યારે જૂનાગઢમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ કૃષિ યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ ‘સોરઠ ધરા સોહામણી’ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાને રૂ. 781 કરોડનાં 617 કામની ભેટ આપી હતી. આ સાથે મુખ્યમંત્રીએ જૂનાગઢ મનપા, જિલ્લાનાં નગરો અને ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે રૂ. અઢી - અઢી કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવણીની જાહેરાત પણ કરી હતી. જૂનાગઢમાં રોડ-રસ્તા, વીજ સબસ્ટેશન, આરોગ્યકેન્દ્ર, પાણી પુરવઠો, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનાં રૂ. 100 કરોડનાં 187 વિકાસકામોના લોકાર્પણ, જિલ્લા ગ્રામીણ વિસ્તારોના વિકાસને ગતિ આપતાં 150 કામો રૂ. 88 કરોડના ખર્ચે હાથ ધરવા માટે ઈ-લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું હતું.
વિવિધ કાર્યક્રમોએ જીત્યાં દિલ
ધ્વજવંદન કાર્યક્રમ વખતે વાયુદળના બે હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરીને તિરંગાને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. ધ્વજને સલામી બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પરેડ નિરીક્ષણ કર્યુ હતું. આ તકે વોલિ ફાયરિંગ તેમજ આકાશમાં બલૂન છોડીને હર્ષ ધ્વનિ કરવામાં આવી.
આઝાદીની કાળના મહત્વપૂર્વ સ્થળ એવા જૂનાગઢ ખાતે વિવિધ ૨૫ પ્લાટૂનના જવાનોએ શિસ્તબદ્ધ પરેડ દ્વારા તિરંગાને સલામી આપી હતી. આ દેશભક્તિસભર માહોલમાં ઉપસ્થિત સૌ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયા હતા. આ પ્રસંગે મધ્યપ્રદેશની પોલીસ પ્લાટૂને પરેડમાં ભાગ લઈને રાષ્ટ્રીય એકતાના સંદેશને ઉજાગર કર્યો હતો.
શૌર્યની ભૂમિ પર ભારતીય તટ રક્ષક દળ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, મધ્યપ્રદેશ રાજ્ય પોલીસ, ચેતક કમાન્ડો ફોર્સ-ગાંધીનગર, ગુજરાત મરીન કમાન્ડો ફોર્સ સહીત 25 પ્લાટૂને પરેડ રજૂ કરી લોકોમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું. સાથોસાથ આજની પરેડમાં મહિલા શક્તિના પણ દર્શન થયા હતા. વિવિધ ૨૫ પ્લાટૂનના 870 જેટલા જવાનોએ શિસ્તબદ્ધ પરેડ દ્વારા તિરંગાને સલામી આપી.
પોલીસ જવાનોના દિલધડક સ્ટંટ
પરેડ દરમિયાન ગુજરાત પોલીસના જવાનો દ્વારા દિલધડક બાઇક સ્ટંટ રજૂ કરવામાં આવ્યું હતું. બાઇક સ્ટંટમાં પણ નારીશક્તિનાં દર્શન થયાં હતાં. જૂનાગઢ જિલ્લાની વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રાસ-ગરબાની રમઝટ કરાઈ હતી. ત્યારબાદ એસઆરપી પાઇપ બેન્ડ દ્વારા ડિસ્પેલ રજૂ કરાયું હતું.

