નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ 75મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને રાષ્ટ્રજોગ સંબોધન કરતાં કહ્યું હતું કે, હું આપ સૌને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. જ્યારે હું પાછું વળીને જોઉં છું કે વિકટ પરિસ્થિતિઓ હોવા છતાં આપણે કેટલી લાંબી યાત્રા કરી છે ત્યારે મારું હૃદય ગર્વથી ભરાઈ જાય છે. સ્વાધીનતાના 75 વર્ષ પૂર્ણ થવા પર આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાન આપણા દેશની અતુલનીય મહાનતા અને વિવિધતાપૂર્ણ સંસ્કૃતિનો ઉત્સવ ઊજવ્યો હતો. કાલના દિવસે આપણે બંધારણના પ્રારંભનો ઉત્સવ ઊજવીશું. બંધારણની પ્રસ્તાવના ‘અમે ભારતના લોકો આ શબ્દોથી શરૂ થાય છે. આ શબ્દ, આપણાં બંધારણના મૂળ ભાવ, અર્થાત્ લોકતંત્રને રેખાંકિત કરે છે.
તેમણે કહ્યું હતું કે ભારતની લોકતાંત્રિક વ્યવસ્થા, લોકતંત્રની પાશ્ચાત્ય અવધારણાથી ઘણી વધારે પ્રાચીન છે, એટલા માટે ભારતને ‘લોકતંત્રની જનેતા’ કહેવામાં આવે છે. આપણો દેશ સ્વતંત્રતાની શતાબ્દી તરફ વધતાં અમૃતકાળના પ્રારંભિક દોરમાંથી પસાર થઈ રહ્યો છે. આ એક યુગાંતકારી પરિવર્તનનો કાળખંડ છે. આપણને આપણા દેશને નવી ઊંચાઈઓ સુધી લઈ જવાનો સોનેરી અવસર મળ્યો છે, આપણાં લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પ્રત્યેક નાગરિકોનું યોગદાન મહત્ત્વપૂર્ણ હશે. એટલા માટે હું દરેક દેશવાસીઓને, બંધારણમાં નિહિત, આપણા મૂળ કર્તવ્યોનું પાલન કરવાનો અનુરોધ કરીશ.’
રામમંદિરનો પણ સંબોધનમાં ઉલ્લેખ
રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, ‘આ સપ્તાહના આરંભમાં આપણે સૌએ અયોધ્યામાં પ્રભુ રામના જન્મસ્થાન પર નિર્મિત ભવ્ય મંદિરમાં સ્થાપિત મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠાનો ઐતિહાસિક સમારંભ જોયો. ભવિષ્યમાં જ્યારે આ ઘટનાને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવશે ત્યારે ઈતિહાસકારો, ભારત દ્વારા પોતાની સભ્યતાગત વારસાની નિરંતર શોધમાં, યુગાંતરકારી આયોજનના રૂપમાં તેનું વિવેચન કરશે. ઉચિત ન્યાયિક પ્રક્રિયા અને દેશના સર્વોચ્ચ અદાલતના નિર્ણય બાદ, મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું અને હવે આજે એક ભવ્ય સંરચનાના રૂપમાં શોભાયમાન છે. આ મંદિર ન કેવળ જન જનની આસ્થાઓ વ્યક્ત કરે છે. પણ ન્યાયિક પ્રક્રિયામાં આપણા દેશવાસીઓની અગાધ આસ્થાનું પ્રમાણ પણ છે.’

