ઇસરોએ આદિત્ય-એલ1ના મેગ્નેટોમીટર બૂમને લાગ્રાન્ગ પોઇન્ટ-1ની ભ્રમણકક્ષામાં તરતું મૂક્યું

Wednesday 31st January 2024 05:40 EST
 
 

બેંગલૂરુ: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ 2024ની 11 જાન્યુઆરીએ આદિત્ય-એલ 1 અવકાશયાનના મેગ્નેટોમીટર બૂમ નામના વૈજ્ઞાનિક ઉપકરણને લાગ્રાન્ગ પોઇન્ટ-1ની હેલો ઓર્બિટમાં સફળતાથી તરતું મૂક્યું છે. આ પ્રક્રિયા ફક્ત નવ સેકન્ડ્ઝમાં પૂરી થઇ ગઇ છે.
આદિત્ય-એલ1 અવકાશયાન ભારતનું સૂર્યના સંશોધનાત્મક અભ્યાસ માટેનું પહેલું અવકાશયાન છે. આદિત્ય-એલ અવકાશયાન 2023ની બીજી સપ્ટેમ્બરે પોલાર સેટેલાઇટ લોન્ચ વેહિકલ-એક્સએલ દ્વારા તરતું મૂકાયું છે. આદિત્ય-એલ1 અવકાશયાન બરાબર 132 દિવસની પડકારરૂપ અંતરિક્ષયાત્રા કરીને 2024ની 6 જાન્યુઆરીએ સાંજના 4:17 વાગે પૃથ્વીથી 15 લાખ કિલામીટર દૂર આવેલા લાગ્રાન્ગ પોઇન્ટ-1 પર સંપૂર્ણ સફળતાથી અને સલામતીપૂર્વક પહોંચ્યું છે.
ઇસરોનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે આદિત્ય-એલ1 અવકાશયાનમાં કુલ સાત વૈજ્ઞાનિક ઉપકરણ છે. મેગ્નેટોમીટર બૂમ આ સાતમાંનું એક વૈજ્ઞાનિક ઉપકરણ છે. મેગ્નેટોમીટર બૂમની લંબાઇ 18 ફૂટ છે અને તે કાર્બન ફાઇબર પોલીમરમાંથી બનાવવામાં આવ્યું છે. મેગ્નેટોમીટર બૂમનો હેતુ સૂર્યના ક્રોમોસ્ફિયર (સૂર્યની સપાટી અને તેની બાહ્ય કિનારી - કોરોના - વચ્ચેનો પ્લાઝ્માનો પાતળો હિસ્સો) અને કોરોના (સૂર્યની બાહ્ય કિનારી)ના સંશોધનાત્મક અભ્યાસ કરવાનો છે. સૂર્યના હાઇડ્રોજન અને હિલિયમના વિરાટ ગોળામાં થતી અકળ અને ભયાનક ગતિવિધિને જાણવા અને સમજવા મેગ્નેટોમીટર બૂમની કામગીરી બહુ ઉપયોગી બનશે.


comments powered by Disqus