કાર્ડિયોલોજિસ્ટ ડો. તેજસ પટેલને પદ્મભૂષણઃ રઘુવીર ચૌધરી, જગદીશ ત્રિવેદીને પદ્મશ્રી પુરસ્કાર

Wednesday 31st January 2024 05:39 EST
 
 

અમદાવાદ: 75મા પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ સરકાર દ્વારા પદ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાતના છ મહાનુભાવોનો સમાવેશ થાય છે.
પદ્મભૂષણ
• ડો. તેજસ મધુસુદન પટેલ (મેડિસિન) : ડો. તેજસ પટેલ ગુજરાતના તબીબી ક્ષેત્રનું જાણીતું નામ છે. તેઓ અત્યંત પ્રસિદ્ધ કાર્ડિયોલોજીસ્ટ છે. તેઓ કાર્ડિયોલોજી ક્ષેત્રે ઈન્ટરવેન્શનલ પાયોનિયર ગણાય છે. અગાઉ તેમને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તબીબી ક્ષેત્રની આ વિચક્ષણ પ્રતિભાને તેમની સેવાઓ બદલ દેશ- વિદેશના અનેક એવોર્ડ મળેલા છે.

પદ્મશ્રી

• રઘુવીર ચૌધરી (સાહિત્ય અને શિક્ષણ): ગુજરાતના પ્રતિષ્ઠિત સાહિત્યકાર 85 વર્ષીય પ્રો. રઘુવીર ચૌધરીને સાહિત્ય સર્જન ક્ષેત્રે પ્રશંસનીય બદલ પદ્મશ્રી સન્માન માટે પસંદગી થઇ છે. તેમને 2015માં સાહિત્યનો પ્રતિષ્ઠિત ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર અર્પણ થયો હતો. તેમણે 80થી વધુ વૈવિધ્યસભર પુસ્તકો લખ્યા છે.
• ડો. યઝદી ઇટાલિયા (મેડિસન):  ડો. યઝદી ઇટાલિયાએ ગુજરાત સરકાર માટે ભારતનો પ્રથમ સિકલસેલ એનિમિયા કન્ટ્રોલ પ્રોગ્રામ (SCA-CP) વિકસાવ્યો છે. ચીખલી ખાતે પરોપકારી પારસી- ઝોરોસ્ટ્રિયન પરિવારમાં જન્મેલા ડો. યઝદી જ્ઞાનને લોકોપયોગી બનાવવા તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે.
• હરીશ નાયક (સાહિત્ય): ગુજરાતી બાળસાહિત્યકાર હરીશ નાયક એક જ વર્ષમાં 5 લાખથી વધુ બાળકોને વાર્તા કહેવાનો વિક્રમ ધરાવે છે. 97 વર્ષની જીવનયાત્રામાં તેમણે બે હજારથી વધુ બાળવાર્તાઓ લખી છે. તેમના બાળ સાહિત્યસર્જનનાં 500થી વધુ પુસ્તકો પ્રકાશિત થયાં છે.
• દયાળજી માવજીભાઇ પરમાર (સાહિત્ય): મોરબીના ટંકારામાં રહેતા દયાળજીભાઈ માવજીભાઈ પરમાર ઉર્ફે શ્રી દયાલ મુનિ આર્યએ ચારેય વેદનો સંસ્કૃતમાંથી ગુજરાતીમાં સરળ અનુવાદ કરેલો છે. તેઓ મૂળ આયુર્દેવ ચિકિત્સક છે.
• જગદીશ ત્રિવેદી (કળા): મૂળ શિક્ષક અને ગુજરાતી ભાષાના હાસ્યકાર અને ઉમદા સમાજસેવક જગદીશ ત્રિવેદી દેશવિદેશોમાં હાસ્યરસ પીરસવા સાથે જનજાગરણનું વિશેષ કાર્ય કરી રહ્યા છે. પોતાના કાર્યક્રમોથી તેમણે અત્યાર સુધીમાં વિવિધ સેવા પ્રવૃત્તિઓ માટે કરોડો રૂપિયાનું દાન એકત્ર કર્યા છે.


comments powered by Disqus