ગાંધીનગરઃ ગુજરાતમાંથી રાજ્યસભાની ખાલી પડનારી ચારેય બેઠક 15મી વિધાનસભામાં રેકોર્ડબેક સંખ્યાબળને આધારે ભાજપ અંકે કરશે તે નક્કી મનાય છે. જ્યારે બે સભ્યોના રાજીનામા બાદ માત્ર 13 ધારાસભ્યોમાં સમેટાઈ ગયેલી કોંગ્રેસમાંથી આ ચૂંટણીમાં કોઈની ઉમેદવારીની શક્યતા એકદમ નહિવત છે. આ સંજોગોમાં રાજકીય વિશ્લેષકો સહિત સહુ કોઇની નજર ભાજપમાંથી રાજ્યસભામાં છ વર્ષ માટે કોને પ્રતિનિધિત્વ મળે છે તેના ઉપર છે.
કોંગ્રેસની બે ઘટશે, ભાજપને બે મળશે.
રાજ્યસભામાં ગુજરાતમાંથી પ્રતિનિધિત્વ કરી રહેલા 11 પૈકી કુલ ચાર સાંસદો અનુક્રમે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પરષોત્તમ રૂપાલા જ્યારે કોંગ્રેસના નારણભાઇ રાઠવા અને અમીબહેન યાજ્ઞિકની મુદ્દત આ વર્ષે એપ્રિલમાં પૂર્ણ થાય છે. 27મી ફેબ્રુઆરીએ યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી કરવા 15મી ફેબ્રુઆરી સુધીનો સમય નિયત કરાયો છે. જોકે, આ વખતે કોંગ્રેસ પાસે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પણ સંખ્યાબળ ન હોવાથી આ ચૂંટણી મતદાન સુધી પણ પહોંચશે નહીં. આમ ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારો નિર્વિરોધ ચૂંટાઈ આવશે.
માંડવિયા-રૂપાલાને લોકસભામાં ઉતારાશે
ભાજપમાં થઈ રહેલી ચર્ચા મુજબ કેન્દ્રીય નેતૃત્વ આ વેળા કેન્દ્રીય મંત્રી માંડવિયા અને રૂપાલાને રાજ્યસભામાં રિપિટેશન આપવા તૈયાર નથી! આ બંને સાંસદો અનુક્રમે બે અને ત્રણ વખત રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કર્યુ છે. તેવામાં મનસુખ માંડવિયાને આ વખતે લોકસભા- 2024 ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી કે પોરબંદર એમ ત્રણમાંથી કોઈક એક બેઠક પરથી મેદાને ઉતારશે તેમ મનાય છે. જ્યારે રૂપાલાને રાજકોટથી મેદાનમાં ઉતારાય તેવી શક્યતા છે.
પખવાડિયામાં ભાજપ ઉમેદવારો જાહેર કરશે
ગુજરાત ભાજપ આ વખતે રાજ્યસભામાં એક સાથે ચારેય બેઠકો મેળવી રહ્યું હોવાથી છ વર્ષની મુદ્દત માટે નાના જ્ઞાતિ-સમુહમાંથી આવતા નેતા અને કાર્યકરોને પ્રતિનિધિત્વ આપવા કવાયત ચાલી રહી છે. સંભવતઃ બે સપ્તાહમાં તમામ નામો જાહેર થશે તેમ મનાય છે.
રાજ્યસભામાં કોંગ્રેસના સૂપડાં સાફ થઇ જશે?
હાલમાં ગુજરાતમાંથી રાજ્યસભામાં 11માંથી ત્રણ સાંસદો કોંગ્રેસના છે. તેમાંથી બેની ટર્મ એપ્રિલ-2024માં પૂર્ણ થાય છે. ત્યારબાદ જૂન-2026માં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ટર્મ પણ પૂર્ણ થશે. 15મી વિધાનસભાની મુદ્દત ડિસેમ્બર-2027 સુધી હોવાથી સવા બે વર્ષ પછી ગુજરાતમાંથી રાજ્યસભામાં કોંગ્રેસનું કોઈ પ્રતિનિધિત્વ નહીં રહે.
ગુજરાત વિધાનસભા (કુલ 182 બેઠક)
ભાજપ 156
કોંગ્રેસ 15
આપ 04
અન્ય 03
ખાલી 04

