નવી દિલ્હી: ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેકોં ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)થી ખુબ જ પ્રભાવિત થયા છે. રાજસ્થાનના જયપુરથી બે દિવસના ભારતપ્રવાસનો પ્રારંભ કરનાર મેક્રોં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચાની દુકાન પર ચા પીધા બાદ UPIથી કરાયેલી ત્વરિત ચૂકવણીથી અભિભૂત થયા હતા. ઉલ્લેખનીય છે કે મેક્રોંએ પ્રજાસત્તાક દિવસના મુખ્ય મહેમાન તરીકે બે દિવસના ભારત પ્રવાસનો પ્રારંભ રાજસ્થાનથી કર્યો હતો.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દ્વારા મહેમાન રાષ્ટ્રપતિના સન્માનમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજીત ભવ્ય ભોજન સમારંભમાં મેક્રોંએ કહ્યું હતું કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પીધેલી ચાને ક્યારેય નહીં ભૂલે. મેક્રોંએ પોતાના નિવેદનમાં ચા માટે હિન્દીમાં પ્રયોજાતો ‘ચાય’ શબ્દનો ઉપયોગ કર્યો હતો.
મેક્રોંએ કહ્યું હતું કે જયપુરના હવામહલ પાસે મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શેર કરેલી ચા હું ક્યારે નહીં ભુલું. તે ચાની કિંમત UPI વડે ચૂકવાઇ હતી. તે એટલા માટે ખાસ હતું કારણ કે તે આ મિત્રતા, હુંફ અને આ ભવ્ય ઉજવણી, પરંપરા અને ઈનોવેશનનો સુભગ સમન્વય હતો. અમે સાથે મળીને આ જ કરવા માગીએ છીએ. વડાપ્રધાન મોદીએ પણ એક વીડિયો શેર કર્યો હતો જેમાં મોદી અને મેક્રોં કુલ્લડમાં એક દુકાન બહાર બેસીને ચા પીતા જોવા મળ્યા હતા. ચા પીધા બાદ પીએમ મોદીએ UPI મારફત પૈસા ચૂકવ્યા હતા. પૈસા ચૂકવતાં જ તે તરત દુકાનદારના ખાતામાં પહોંચી જતા રાષ્ટ્રપતિ મેક્રોં ખુબ જ પ્રભાવિત થયા હતા.
અયોધ્યા જવું પડશે
વડાપ્રધાન મોદી સાથે મેક્રોંએ જયપુરમાં જંતરમંતરથી સાંગાનેરી ગેટ સુધી ભવ્ય રોડશો કર્યો. તેમનો રોડશો નિહાળવા લોકો મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા અને બંને મહાનુભાવો પર પુષ્પવર્ષા પણ કરી હતી. વડાપ્રધાન મોદીએ મેક્રોંને અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી હતી અને એક ટી સ્ટોલ પર મસાલા ચા પણ પીવડાવી હતી.
મેક્રોંએ જયપુરમાં આમેરનો કિલ્લો, જંતરમંતર વેધશાળા અને હવામહલની મુલાકાત પણ લીધી હતી. રોડશો પૂરો થયા બાદ મોદી અને મેક્રોં હવામહલ આગળ ખુલ્લી કારમાંથી ઉતર્યા હતા. મેક્રોંએ અંદાજે એક હજાર બારીઓ અને ઝરૂખા ધરાવતા હવામહલની પ્રશંસા કરી હતી.
બાદમાં બંને નેતાઓ હસ્તશિલ્પની એક સ્થાનિક દુકાને પણ પહોંચ્યા હતા, જયાંથી મોદીએ રામ મંદિરની નાની પ્રતિકૃતિ ખરીદીને મેક્રોંને ભેટ આપી હતી. આ ભેટ સ્વીકારતા મેક્રોંએ કહ્યું કે, ‘અયોધ્યા જવું પડશે.’
ફ્રાન્સમાં પણ UPI શરૂ થશે
વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ મેક્રોંને UPI સિસ્ટમની સમજ આપી હતી. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જુલાઇમાં ફ્રાન્સ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતના પર્યટકો જલદી જ ફ્રાન્સમાં UPIનો ઉપયોગ કરી શકશે. વડાપ્રધાને કહ્યું હતું કે ભારત અને ફ્રાન્સ સરકાર ફ્રાન્સમાં UPI નો ઉપયોગ કરવા સહમત થઇ છે. વડાપ્રધાને કહ્યું હતું કે આવનારા દિવસોમાં તેનો પ્રારંભ પેરીસના એફિલ ટાવરથી થશે એટલે કે ભારતીય પર્યટકો રૂપિયામાં ચૂકવણી કરી શકશે.
મેક્રોંએ કવ્વાલીનો આનંદ માણ્યો
રાષ્ટ્રપતિ મેક્રોંએ શુક્રવારે સાંજે દિલ્હીની નિઝામુદ્દીન ઔલિયાની દરગાહની પણ મુલાકાત લીધી હતી. દરગાહની મુલાકાત વખતે વિદેશ પ્રધાન એસ. જયશંકર પણ તેમની સાથે હતા. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ 700 વર્ષ જુની દરગાહમાં કવ્વાલીનો આનંદ માણ્યો હતો. દરગાહના વ્યવસ્થાપકોએ ફ્રાન્સના રાષ્ટ્રપતિનું સ્વાગત કરી તેમને દરગાહના ઇતિહાસની માહિતી આપી હતી.

