ગાંધીનગરઃ એરબસ હેલિકોપ્ટર્સ અને ટાટા ગ્રૂપ ટૂંક સમયમાં સંયુક્ત રીતે હેલિકોપ્ટર મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી સ્થાપવા જઈ રહ્યાં છે. એરબસ હેલિકોપ્ટર્સે શુક્રવારે જણાવ્યું હતું કે, તે દેશમાં હેલિકોપ્ટર ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે ટાટા જૂથ સાથે ભાગીદારી કરી રહી છે. એરબસ હેલિકોપ્ટર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તે ‘સિવિલ રેન્જ’ એરબસ H125 હેલિકોપ્ટરનું નિર્માણ 'ફાઇનલ એસેમ્બ્લી લાઇન' દ્વારા કરશે. તે ભારત અને કેટલાક પડોશી દેશોમાં નિકાસ માટે કરવામાં આવશે.
એરબસે પોતાના નિવેદનમાં કહ્યું કે, ‘ફાઇનલ એસેમ્બ્લી લાઇન’ ભારતમાં હેલિકોપ્ટર ઉત્પાદન સુવિધા સ્થાપવાનું ખાનગી ક્ષેત્રનું પ્રથમ ઉદાહરણ હશે. આનાથી ભારત સરકારના ‘આત્મનિર્ભર ભારત’ કાર્યક્રમને વેગ મળશે.આ ભાગીદારી હેઠળ ટાટા ગ્રૂપની પેટાકંપની ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ એરબસ હેલિકોપ્ટર સાથે પ્લાન્ટ સ્થાપશે. આ જાહેરાત 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની ભારતની બે દિવસીય મુલાકાત દરમિયાન કરવામાં આવી હતી.
એરબસ હેલિકોપ્ટર્સે જણાવ્યું કે, ભારતમાં FAL મુખ્ય ઘટકોની એસેમ્બ્લી, એવિઓનિક્સ અને મિશન સિસ્ટમ્સ, ઇલેક્ટ્રિકલ હાર્નેસની સ્થાપના, હાઇડ્રોલિક સર્કિટ, ફ્લાઇટ કંટ્રોલ, ઇંધણ સિસ્ટમ્સ અને એન્જિન એકીકરણ હાથ ધરશે. નિવેદન અનુસાર તે ભારત અને પ્રદેશના ગ્રાહકોને H125નું પરીક્ષણ, લાયકાત અને ડિલિવરી પણ કરશે. એવું કહેવામાં આવ્યું છે કે FALની સ્થાપનામાં
24 મહિનાનો સમય લાગશે. પ્રથમ ‘મેડ ઇન ઇન્ડિયા’ H125 ની ડિલિવરી 2026માં શરૂ થવાની અપેક્ષા છે. નિવેદન અનુસાર ‘ફાઇનલ એસેમ્બ્લી લાઇન’ સ્થાપિત કરવા માટેનું સ્થાન એરબસ અને ટાટા ગ્રૂપ દ્વારા સંયુક્ત રીતે નક્કી કરાશે. એરબસના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ગિલેમ ફૌરીએ કહ્યું, ‘રાષ્ટ્રનિર્માણ માટે હેલિકોપ્ટર મહત્ત્વપૂર્ણ છે. ‘મેડ-ઇન-ઇન્ડિયા’ સિવિલ હેલિકોપ્ટર ન માત્ર આત્મવિશ્વાસપૂર્ણ નવા ભારતનું પ્રતીક બનશે.’

