ભુજઃ 26 જાન્યુઆરી, 2001ની સવારે 8:46 વાગ્યાની એ ગોઝારી ઘડીને કચ્છીજનો અઢી દાયકા બાદ પણ ભૂલ્યા નથી. વિનાશકારી ધરતીકંપે ક્ષણભરમાં કચ્છને હતું - નહોતું કરી નાખ્યું હતું. જો કે કચ્છે હિંમતભેર આ આફતનો સામનો કરી સમગ્ર વિશ્વને ખુમારીનાં દર્શન કરાવ્યાં છે. કચ્છમાં આવેલા ભૂકંપમાં પોતાનો જીવ ગુમાવનારા લોકોની સ્મૃતિમાં ભુજની ઓળખસમાન ભુજિયા ડુંગરમાં સ્મૃતિવન સાથે દેશના સૌથી મોટા ભૂકંપ સ્મારકનું નિર્માણ કરાયું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ 2022માં આ ભૂકંપ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું, તેના દોઢ જ વર્ષના ગાળામાં સ્મૃતિવને વૈશ્વિક પ્રવાસનના નકશામાં પોતાનું સ્થાન મેળવી લીધું છે. 470 એકરના વિશાળ વિસ્તારમાં વિશ્વનું સૌથી મોટું મિયાવાકી વન ઊભું કરાયું છે, જે ભુજ માટે કુદરતી ઓક્સિજનનો અખૂટ સ્રોત છે. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા 400 કરોડથી વધારેના ખર્ચે નિર્માણ પામેલા આ ભૂકંપ સ્મારકની દોઢ વર્ષના ગાળામાં 8 લાખ લોકોએ મુલાકાત લીધી છે. આટલા ટૂંકા ગાળામાં લાખોની સંખ્યામાં કોઈ સ્થળની મુલાકાત લીધી હોય તેવું સંભવત: કચ્છનું આ પ્રથમ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે. સ્મૃતિવનના મેનેજર મનોજ પાંડેએ કહ્યું કે, માત્ર કચ્છ-ગુજરાત જ નહીં દેશનાં અનેક રાજ્યો તેમજ વિદેશથી લાખો પ્રવાસીઓ સ્મૃતિવન નિહાળવા આવ્યા છે. 8 લાખ લોકોએ સ્મૃતિવન, તો એ પૈકીના 7 લાખ લોકોએ ભૂકંપ સ્મારક નિહાળ્યું છે.

