પટણા: જેડીયુ પ્રમુખ નીતિશ કુમારે એક દાયકા કરતાં ઓછા સમયમાં પાંચમી વખત પલ્ટી મારીને બિહારના મુખ્યપ્રધાન તરીકે વિક્રમજનક નવમી વાર શપથ લીધા છે. લાલુ પ્રસાદ યાદવના આરજેડી સાથે છેડો ફાડીને તેમને ભાજપ સાથે જોડાણ કરીને નવી સરકાર બનાવી હતી. બિહારના આ રાજકીય ડ્રામાથી લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષના ઇન્ડિયા ગઠબંધનને પણ વધુ એક ફટકો પડ્યો હતો.
બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરે રવિવારે સાંજે રાજભવન ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિતના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં નીતિશ કુમારને પદના શપથ લેવડાવ્યાં હતા. આના થોડા કલાકો પહેલા તેમણે રાજીનામું આપ્યું હતું અને તેથી મહાગઠબંધન સરકારનું પતન થયું હતું. ભાજપના નેતાઓ સમ્રાટ ચૌધરી અને ભૂતપૂર્વ સ્પીકર વિજય કુમાર સિન્હાએ નાયબ મુખ્યમંત્રીના શપથ લીધાં હતાં. બિહારના પૂર્વ સીએમ જીતન રામ માંઝીની આગેવાની હેઠળના હિન્દુસ્તાન અવામ મોરચાના સંતોષ કુમાર સુમન અને અપક્ષ ધારાસભ્ય સુમિત સિંહ પણ શપથ લીધા હતાં.
શપથગ્રહણ સમારોહમાં વિધાનસભાની સૌથી મોટી પાર્ટી આરજેડીના કોઈ નેતા હાજર રહ્યાં ન હતાં. નીતિશકુમાર પછી વિજય કુમાર સિંહા અને સમ્રાટ ચૌધરીએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. એ પછી ડો. પ્રેમ કુમાર, વિજય ચૌધરી, વિજેન્દ્ર યાદવ, શ્રવણ કુમાર, સંતોષ કુમાર, સુમન (હમ)
અને અપક્ષ ધારાસભ્ય સુમિત સિંહે પણ મંત્રીપદ તરીકે શપથ લીધા છે.
ભાજપે નાના પક્ષોને સાચવ્યા
શપથ ગ્રહણ સમારોહમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ચિરાગ પાસવાનની સાથે આવ્યાં હતા, જે એનડીએના સાથી અને નીતિશકુમારના ટીકાકાર છે, જે દર્શાવે છે કે ભાજપે એનડીએના નાના સાથી પક્ષોનું પણ ધ્યાન રાખ્યું છે. એનડીએના અન્ય નાના સાથી ઉપેન્દ્ર કુશવાહાએ જણાવ્યું હતું કે નીતિશ કુમાર મારા મોટા ભાઈ છે, પરંતુ તેમણે ખોટો રસ્તો પસંદ કર્યો હતો. હવે તેઓ સાચા માર્ગે પરત આવ્યાં છે. શપથગ્રહણ સમારોહ પછી નડ્ડાએ જણાવ્યું હતું કે જેડી(યુ) પ્રમુખ સહજ ગઠબંધન ભાગીદાર છે. એનડીએ લોકસભા ચૂંટણીમાં રાજ્યની તમામ 40 બેઠકો પર જીત મેળવશે.
ભાજપનું બિહારમાં પુનરાગમન
લોકસભા ચૂંટણી પહેલા રવિવારે ભાજપને મોટી સફળતા મળી હતી. રાજકારણની પાઠશાળા તરીકે ઓળખાતા બિહારમાં ફરી એકવાર સત્તામાં ભાજપની શાનદાર એન્ટ્રી થઈ છે. છેલ્લા એક વર્ષથી બિહારનું રાજકારણ રાષ્ટ્રીય સ્તરે ભાજપ માટે પડકાર બની રહ્યું હતું. બિહારમાં અગાઉની આરજેડી-જેડીયુ સરકાર દ્વારા કરવામાં આવેલા જાતિ સર્વેક્ષણ બાદ દેશભરમાં તેની માંગ તેજ બની હતી.
જ્યાં હતો ત્યાં જ પાછો આવ્યો: નીતિશ
નીતિશ કુમારે જણાવ્યું હતું કે એનડીએ છોડીને હવે બીજે ક્યાંય જવાનો સવાલ નથી. હું અગાઉ પણ NDA સાથે હતો. અમે અલગ-અલગ રસ્તે ગયા, પરંતુ હવે અમે સાથે છીએ અને રહીશું... હું જ્યાં હતો ત્યાં પાછો આવ્યો અને હવે બીજે ક્યાંય જવાનો પ્રશ્ન જ નથી. કુલ આઠ ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા હતાં.
રાજ્યના વિકાસ માટે કોઇ કસર છોડશે નહીઃ PM મોદી
બિહારની નવી રચાયેલી એનડીએ સરકાર રાજ્યના વિકાસ અને લોકોના અપેક્ષાઓ પુરી કરવામા કોઇ કસર બાકી રાખશે નહીં તેમ જણાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી નીતિશકુમાર અને તેમની સાથે શપથ લેનાર મંત્રીઓને અભિનંદન પાઠવ્યા છે. તેમને વિશ્વાસ છે કે બિહારમાં નવી સરકાર સંપૂર્ણ સમર્પણની સાથે લોકોની સેવા કરશે.
જનતા નીતિશ-ભાજપને જવાબ આપશેઃ વિપક્ષ
નીતિશકુમારની આકરી ટીકા કરતાં કોંગ્રેસ, આરજેડી, ડીએમકે, ટીએમસી અને ઇન્ડિયા બ્લોકના અન્ય પક્ષોએ જણાવ્યું હતું કે ભાજપ સાથે જોડાણ કરીને નીતિશ કુમારે લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષી ગઠબંધન સાથે દગો કર્યો છે. કેટલાક પક્ષોએ તેમને કાચંડો અને પલ્ટુ રામ ગણાવ્યાં હતા. બિહારની જનતા નીતિશ-ભાજપને જડબાતોડ જવાબ આપશે.
ખેલ તો હવે શરૂ થયો છેઃ તેજસ્વી યાદવ
મહાગઠબંધનમાંથી નીતિશ કુમાર બહાર નીકળી ગયા બાદ આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું છે કે હું એક વાત સ્પષ્ટપણે કહી દઉં છું કે ખેલ તો હજુ હવે શરૂ થયો છે, રમત તો હજી બાકી છે... હું જે કહું છું, તે કરું છું. તમે એક વાત મારી પાસે લખાવી લો કે જેડીયુનું અસ્તિત્વ 2024માં જ સમાપ્ત થઈ જશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં નીતિશ કુમાર એનડીએ ગઠબંધનથી અલગ થઈ ગયા હતા અને આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષો સાથે મળીને સરકાર બનાવી હતી. હવે ફરી એકવાર તેમની પાર્ટી એનડીએમાં સામેલ થઈ ગઈ છે.
તેજસ્વીના દાવા પાછળનું કારણ
નિષ્ણાતો માને છે કે આરજેડી નેતા તેજસ્વી યાદવના આ દાવા પાછળ બિહારની રાજનીતિમાં નીતિશ કુમારની પાર્ટીની ઝડપથી ઘટી ગયેલી લોકપ્રિયતા કારણભૂત છે. વર્ષ 2000ની ચૂંટણી પછી જેડીયુ પહેલીવાર ત્રીજા નંબરનો પક્ષ બન્યો છે. હાલમાં જેડીયુ પાસે માત્ર 45 ધારાસભ્યો છે.
બિહાર વિધાનસભાની બેઠકોનું ગણિત
• આરજેડી - 79 ધારાસભ્યો
• ભાજપ - 78 ધારાસભ્યો
• જેડી(યુ) - 45
• કોંગ્રેસ - 19
• સીપીઆઇ-એમએલ – 12
• હિન્દુસ્તાની અવામ મોરચા (સેક્યુલર) - 4
• સીપીઆઇ-એમ - 2
• એઆઇએમઆઇએમ - 1
• અપક્ષ - 1

