નવી દિલ્હી: ભારત સરકારે બિહારના પૂર્વ મુખ્યપ્રધાન સ્વર્ગસ્થ કર્પૂરી ઠાકુરને ભારતરત્ન આપવાની જાહેરાત કરી છે. કર્પુરી ઠાકુર ભારતીય રાજકારણમાં, સામાજિક ન્યાયના હિમાયતી અને એક પ્રેરણાદાયક વ્યકિત હતાં. આ સન્માન સમાજના વંચિત વર્ગના ઉત્થાનમાં કર્પૂરી ઠાકુરનું સમગ્ર જીવન અને સામાજિક ન્યાયના પ્રત્યે તેમના અથાગ પ્રયત્નોને શ્રદ્ધાંજલિ છે.
કર્પુરી ઠાકુરની 100મી જન્મ જયંતીની પૂર્વસંધ્યાએ તેમને મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરાઇ હતી. કર્પુરી ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુરે જણાવ્યું હતું કે અમને 36 વર્ષની તપસ્યાનું ફળ મળ્યો છે. હું પોતાના પરિવાર અને બિહારના 15 કરોડ લોકોની તરફથી ભારત સરકારનો આભાર વ્યક્ત કરું છું.
કર્પુરી ઠાકુરનો જન્મ સમસ્તીપુર જિલ્લાના પિતોઝિયા ગામમાં થયો હતો. પટણાથી 1940માં તેમણે મેટ્રિક પાસ કરી હતી અને સ્વતંત્રતા આંદોલનમાં જોડાયા હતા. કર્પુરી ઠાકુરે આચાર્ય નરેન્દ્ર દેવની સાથે ચાલવાનું પસંદ કર્યુ હતું. બાદમાં તેમણે સમાજવાદનો માર્ગ અપનાવ્યો અને 1942માં અસહયોગ આંદોલનમાં ભાગ લીધો હતો, જેમાં તેમને જેલમાં જવું પડયું હતું.
132 મહાનુભાવોને પદ્મ સન્માન
75મા પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન આપનાર મહાનુભાવોને પદ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં કુલ 110 પદ્મશ્રી, 17 પદ્મભૂષણ અને પાંચ પદ્મવિભૂષણનો સમાવેશ થાય છે. પદ્મવિભૂષણ અને અને પદ્મભૂષણ મેળવનાર મહત્વનાં વિજેતાઓની યાદી અહીં રજૂ કરવામાં આવી છે.
પદ્મવિભૂષણઃ • વૈજયંતિમાલા બાલી (કળા) • કે. ચિરંજીવી (કળા) • એમ. વેકૈયા નાયડુ (પબ્લિક અફેર્સ) • બિન્દેશ્વર પાઠક (સામાજિક કાર્યકર) • પદ્મા સુબ્રમણ્યમ (કળા)
પદ્મભૂષણઃ • એમ. ફાતિમા બીવી (પબ્લિક અફેર્સ) • હોરમસજી કામા (સાહિત્ય-શિક્ષણ) • મિથુન ચક્રવર્તી (કળા) • સીતારામ જિંદાલ (વેપાર/ઉદ્યોગ) • યંગ લિયુ (વેપાર/ઉદ્યોગ) • અશ્વિન બાલચંદ મહેતા (મેડિસિન) • સત્યબ્રત મુખરજી (જાહેર બાબતો) • શ્રી રામ નાઇક (જાહેર બાબતો) • ડો. તેજસ એમ. પટેલ (મેડિસીન) • ઓલાન્ચેરી રાજગોપાલ (જાહેર બાબતો) • દત્તાત્રેય એ. માયલુ (કળા) • તોગદાન રિન્પોચે (અધ્યાત્મ) • પ્યારેલાલ શર્મા (કળા) • ચંદ્રેશ્વર પ્રસાદ ઠાકુર (મેડિસીન) • ઉષા ઉથુપ (કળા) • વિજય કાંત (કળા) • કુંદન વ્યાસ (સાહિત્ય/શિક્ષણ-પત્રકારત્વ)

