ભાજપનો ગુજરાતમાં ‘પરિવર્તન’ પ્રયોગઃ ઉમેદવારોના નામ પહેલાં ચૂંટણી કાર્યાલયો શરૂ

Wednesday 31st January 2024 04:53 EST
 
 

અમદાવાદઃ અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસથી ભાજપ ચૂંટણી જીતવાના કામે લાગ્યું છે. આ વખતે ભાજપે 400 પ્લસ બેઠકો સાથે જીત હાંસલ કરવાનો લક્ષ્ય રાખ્યો છે જેના કારણે અત્યારથી ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પણ આ વખતે રાજકારણની લેબોરેટરી ગણાતા ગુજરાતમાં ભાજપે એક નવતર રાજકીય પ્રયોગ હાથ ધર્યો છે. ભાજપે ઉમેદવારોની સત્તાવાર ઘોષણા થાય તે પહેલાં ચૂંટણી કાર્યાલય શરૂ કર્યા છે.
આ વખતે ભાજપે મોદી કી ગેરંટીના સ્લોગન સાથે ચૂંટણી મેદાને ઉતરવાનું નક્કી કર્યું છે. 400 પ્લસના લક્ષ્યાંકને પાર પાડવા માટે ભાજપે અત્યારથી જમીની સ્તરે ચૂંટણીલક્ષી તૈયારીઓ આદરી છે. ગુજરાતએ રાજકારણની લેબોરેટરી બની રહી છે ત્યારે નો-રિપીટ થિયરી હોય, પંચાયત, કોર્પોરેશનથી માંડીને મંત્રીપદે નવા ચહેરા-યુવાઓને તક આપવાની વાત હોય, સૌથી નાનુ મંત્રીમંડળ હોય, રાતોરાત સરકાર બદલવાની હોય. ગુજરાતમાં અજમાવાયેલા આ બધાય રાજકીય પ્રયોગમાં ભાજપ નેતાગીરીને સફળતા મળી છે.
હવે ભાજપે લોકસભાની ચૂંટણી પહેલાં ફરી એકવાર નવતર રાજકીય પ્રયોગ હાથ ધર્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની ઉપસ્થિતિમાં 25 જાન્યુઆરીથી અમદાવાદમાં થલતેજ ખાતે ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરાયો હતો. આ ઉપરાંત મંત્રી, ધારાસભ્યો અને ભાજપના નેતાઓની હાજરીમાં અન્ય લોકસભા મત વિસ્તારમાં ય ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન કરવામાં આવ્યા હતાં. પહેલીવાર એવું જોવા મળી રહ્યુ છેકે, ઉમેદવાર વિના ચૂંટણી કાર્યાલય શરૂ કરાયા છે. આ થિયરી લાગુ કરી ભાજપ હાઇકમાન્ડે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, જે ઉમેદવાર જાહેર થાય તેને વધાવી લો, એટલુ જ નહીં, પાંચ લાખની લીડથી વિજયી બનાવો. આ ઉપરાંત એવો સંદેશ આપી દેવાયો છેકે, મોદીના નામ પર ચૂંટણી જીતાઇ રહી છે.


comments powered by Disqus