વડોદરાઃ લોકસભાની ચૂંટણી અગાઉ જ ગુજરાતમાં જાણે પક્ષપલટાની મૌસમ જામી છે. એક પછી એક ધારાસભ્ય રાજીનામું આપવા માંડ્યા છે. પરિણામે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. 26મીએ વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામુ ધર્યું હતું. આ રાજીનામાને પગલે વિધાનસભાનુ ખંડિત થવાનો સિલસીલો યથાવત રહ્યો છે. ગુજરાતમાં ‘આપ’ અને કોંગ્રેસ તો ઠીક, પણ હવે અપક્ષે પણ ભાજપ સમક્ષ નતમસ્તક થવું પડયું છે.
લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ‘આપ’, કોંગ્રેસ અને અપક્ષ ધારાસભ્યોએ કેસરિયો ખેસ ધારણ કરવા કમલમ તરફ દોટ માંડી છે. નારાજ કોંગ્રેસીઓએ તો પક્ષની વંડી ઠેકવાનું મન બનાવી લીધુ છે ત્યાં હવે ત્રણેય અપક્ષ ધારાસભ્યોએ પણ ભાજપના નતમસ્તક થવા નક્કી કર્યું છે. ટિકીટ ન મળતાં ભાજપ સામે બાંયો ચડાવીને અપક્ષ તરીકે ચૂંટાયેલાં ત્રણેય ધારાસભ્યોને હવે સત્તાનો સ્વાદ માણવો છે. જેના ભાગરુપે 26મીએ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિધાનસભા અધ્યક્ષને રાજીનામુ સોંપ્યુ હતું. રાજીનામુ ધર્યા બાદ તેઓ કેસરિયો ખેસ ધારણ કરીને ભાજપમાં સત્તાવાર રીતે પ્રવેશ કરશે. ભાજપ સાથે રાજકીય ડીલ કર્યા બાદ ધર્મેન્દ્રસિંહે ધારાસભ્યપદેથી રાજીનામુ ધર્યુ હોવાનું કહેવાય છે.
એવુ જાણવા મળ્યુ છેકે, ધર્મેન્દ્રસિંહ વાઘેલા આ જ વાઘોડિયા બેઠક પર ભાજપના નિશાન પર પેટા ચૂંટણી લડશે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાના રાજીનામાને લીધે ગુજરાત વિધાનસભા ફરી ખંડિત થઈ છે.
હાલ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોનું સંખ્યાબળ ઘટીને 178 સુધી પહોંચ્યું છે. ઉલ્લેખનીય છેકે, છેલ્લાં બે મહિનામાં ચાર ધારાસભ્યોએ રાજીનામા ધર્યા છે.

