નવી દિલ્હી: પોતાના બાળકોના શૈક્ષણિક રિપોર્ટ કાર્ડનો વિઝિટિંગ કાર્ડ તરીકે ઉપયોગ કરતાં વાલીઓને ચેતવણી આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, બાળકો અભ્યાસના દબાણનો સામનો કરી શકે તે માટે માબાપ અને શિક્ષકોએ તેમનામાં આત્મવિશ્વાસ સ્થાપિત કરવો અત્યંત આવશ્યક છે. વિદ્યાર્થીઓને તેમણે જણાવ્યું હતું કે, અભ્યાસ અને પરીક્ષાનું દબાણ તમારા પર જરા પણ હાવી ના થવા દેશો.
‘પરીક્ષા પે ચર્ચા’ના વાર્ષિક કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષકો સાથેની ચર્ચા દરમિયાન વડાપ્રધાને સૂચન કરતા જણાવ્યું હતું કે, બાળકોએ અન્યોની સાથે સ્પર્ધા કરવાને બદલે પોતાની જાત સાથે સ્પર્ધા કરવી જોઈએ. વાલીઓએ પણ તેમના સંતાનોમાં અંદરોઅંદર હરીફાઈના બીજ ના વાવવા જોઈએ. હરીફાઈ અને પડકારો વધુ મહેનત કરવાની પ્રેરણા પૂરી પાડે છે તે વાત સાચી છે પરંતુ આવી હરીફાઈ તંદુરસ્ત હોય તે જરૂરી છે. ઘણાં વાલીઓ પોતાના સંતાનોને અન્ય બાળકોના ઉદાહરણો આપતાં હોય છે. વાલીઓએ આમ કરવાનું ટાળવું જોઈએ. એવા વાલીઓ પણ છે કે જેમની પાસે પોતાની સફળતા વિશે દુનિયાને કહેવા લાયક કંઈ નથી હોતું તેવા વાલીઓ પોતાના સંતાનોના શાળાના રિપોર્ટ કાર્ડનો ઉપયોગ વિઝિટિંગ કાર્ડ તરીકે કરે છે. વિદ્યાર્થીઓને પરેશાન કરતાં દબાણ અંગે તેમણે જણાવ્યું હતું કે, હાલમાં વિદ્યાર્થીઓ સમકક્ષ વિદ્યાર્થીઓ, વાલીઓ તથા સ્વયં પ્રેરિત એમ ત્રણ પ્રકારના દબાણનો સામનો કરી રહ્યાં છે.

