85 વર્ષે દેશ-વિદેશમાં દોડની સ્પર્ધાઓ જીતે છે જૂનાગઢનાં નેશનલ ચેમ્પિયન ભાનુબહેન

Wednesday 27th March 2024 05:27 EDT
 
 

જૂનાગઢઃ 85 વર્ષનાં ભાનુબહેન પટેલનું શરૂઆતનું જીવન ભલે ગમે તેવું રહ્યું, પણ અત્યારે તેઓ એકદમ સેલિબ્રિટી લાઇફ જીવી રહ્યાં છે. લોકો જ્યારે ખાટલે પડ્યા હોય એ ઉંમરે ભાનુબહેન લોકોની પ્રેરણા બન્યાં છે. હમણાં થોડા દિવસો પહેલાં જ પુણેમાં યોજાયેલી માસ્ટર્સ એથ્લેટિક્સ સ્પર્ધામાં 5 કિલોમીટર દોડી ભાનુબહેન નેશનલ લેવલે ગોલ્ડ મેડલ જીતી લાવ્યાં છે. આવાં તો અનેક મેડલ તેઓ છેલ્લાં 10 વર્ષમાં જીત્યાં છે. એ પહેલાં તો તેઓ ક્યારેય દોડવા જતાં પણ નહીં.
75 વર્ષની ઉંમરે ભાનુબહેને દોડવાનું શરૂ કર્યું અને આજે કેટલીય નેશનલ અને ઇન્ટરનેશનલ સ્પર્ધાઓ જીતી ચૂક્યાં છે. વ્યવસાયે શિક્ષક ભાનુબહેને જણાવ્યું કે, એક ભાઈએ મને દોડવા માટે ઘણી મનાવી, અંતે મેં હા પાડી.
‘થોડા દિવસોમાં જ જૂનાગઢના પોલીસ હેડક્વાર્ટર્સના ગ્રાઉન્ડમાં સ્પર્ધા હતી અને હું ત્યારે દોડવા ગઈ. એ સમયે કોઈ જ પ્રેક્ટિસ વગર હું 5 કિલોમીટર દોડી અને જીતી પણ ખરી. પછી તો મને વિશ્વાસ આવી ગયો અને એક પછી એક સ્પર્ધામાં ભાગ લેવા માંડી. જિલ્લા, નેશનલ, ઇન્ટરનેશનલ ઘણી દોડમાં ભાગ લીધો અને બધે જીતી પણ ખરી.
છેલ્લાં 10 વર્ષથી હું દોડમાં ભાગ લઉં છું, અત્યાર સુધીમાં હું ઓછામાં ઓછાં 8 નેશનલ મેડલ જીતી ચૂકી છું. અત્યારે મારી પાસે કુલ 50થી 60 મેડલ છે અને 70થી 80 જેટલાં સર્ટિફિકેટ. અહીં જૂનાગઢમાં દર વર્ષે ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા પણ થાય છે, એમાં પણ ભાગ લઉં છું.


comments powered by Disqus