નવી દિલ્હીઃ જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તેવો અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વર્ષ 2026 સુધીમાં પૂરો થઇ જશે અને સુરત-બિલીમોરા વચ્ચે બુલેટ ટ્રેન દોડતી થઈ જશે, તેમ રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે દિલ્હીમાં એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં જણાવ્યું હતું.
રેલવેમંત્રીએ કહ્યું કે આ બુલેટ ટ્રેન પરિવહનનું માધ્યમ જ ન રહેતા અમદાવાદ અને મુંબઇ વચ્ચેના શહેરોના અર્થતંત્રોને પણ જોડશે. જેમાં અમદાવાદ અને મુંબઇ ઉપરાંત આણંદ, વડોદરા, સુરત, વાપી અને થાણેનો સમાવેશ થાય છે. અન્ય દેશોમાં બુલેટ ટ્રેનનો 500 કિ.મી.નો પ્રોજેક્ટ પૂરો થતાં 20 વર્ષ લાગે છે જ્યારે ભારતમાં આ પ્રોજેક્ટ 8-10 વર્ષમાં જ પૂર્ણ થઈ રહ્યો છે. અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનની સર્વિસ વર્લ્ડ-ક્લાસ રહેશે. બુલેટ ટ્રેન કોરિડોરની કુલ લંબાઈ ત્રણ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચાયેલી છે. 156 કિ.મી. મહારાષ્ટ્રમાં, ચાર કિ.મી. દાદરા-નગર હવેલીમાં અને 384 કિ.મી. ગુજરાતમાં. આ પ્રોજેક્ટ માટે કુલ 1,400 હેક્ટર જમીન સંપાદન કરાઈ છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિ.ના જણાવ્યા અનુસાર મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ (MAHSR) પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 100 ટકા જમીન સંપાદન થઈ ચૂકી છે.