અમદાવાદઃ શહેરના અનેક વિસ્તારોમાં એક ખાસ પ્રકારનું બોક્સ છેલ્લા કેટલાક સમયથી કૂતૂહલ જગાવી રહ્યું છે. આ બોક્સ બીજું કંઇ નહીં પણ સિનીયર સિટીઝન અને મહિલાઓ માટે ‘સંકટ સમયની સાંકળ’ છે. વાત એમ છે કે, ઈમર્જન્સી પોલીસ હેલ્પલાઈન કોલિંગ મશીનમાં લાલ બટન દબાવતાં જ પોલીસ સાથે વિડીયો કોલથી વાત કરી શકો છો અને તમારી ફરિયાદ ઓનલાઈન નોંધવામાં આવે છે. જેના દ્વારા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણકારી આપવામાં આવતાં પોલીસ તુરંત તમારી સેવામાં હાજર થાય છે. આ પ્રકારની ઈમર્જન્સી સેવા મહિલા-વરિષ્ઠ નાગરિકો માટે આશીર્વાદરૂપ છે. અમદાવાદમાં હાલ 80 સ્થાને આવા મશીન લગાવાયા છે અને આવનારા સમયમાં આ મશીનની સંખ્યા વધારીને 200 જેટલી કરાશે.