અમદાવાદઃ ગુજરાતમાં ઘણાં વણઉકેલાયેલા પ્રશ્નોનો હજુ સુધી કોઈ ઉકેલ આવી શક્યો નથી. ખુદ ગુજરાત સરકારે એ વાતની મુક્તમને કબૂલાત કરી છે કે, કેન્દ્રમાં હજુપણ ગુજરાતના 18 પ્રશ્નો પડતર રહ્યા છે. આ પ્રશ્નો ઉકેલવા માટે ગુજરાત સરકારે અનેકવાર રજૂઆત કરી હોવા છતાં સ્થિતિ યથાવત્ રહી છે.
ગુજરાતના ઘણા પડતર પ્રશ્નો હતા, તે પૈકી અમદાવાદ શહેરનું કર્ણાવતી નામ કરવાનો પણ મુદ્દો હતો. જો કે ખુદ ભાજપે એવો બચાવ કર્યો છે કે, જો નામકરણ કરવામાં આવે તો અમદાવાદ શહેરનો હેરિટેજનો દરજ્જો છીનવાઈ શકે છે. આ કારણોસર આ મુદ્દો ખુદ ભાજપ જ લોકોના મનમાંથી ભુલાવવા માગે છે. આ મુદ્દે રાજ્ય સરકારે કેન્દ્રમાં રજૂઆત સુધ્ધાં કરી નથી.
આ પ્રમાણે હજીરામાં કોસ્ટગાર્ડ સ્ટેશનની સ્થાપના કરવાનો પ્રશ્ન વર્ષો પછી હજુપણ યથાવત્ રહ્યો છે. ગુજરાતના સિંધુ બેસિનનું પાણી મળે તે પ્રશ્ન પણ અટવાયેલો જ છે. ગુજરાતમાં લેપ્ટોસ્પાઇરોસિસના કેસ વધી રહ્યા છે ત્યારે લેપ્ટોસ્પાઇરોસિસ રિસર્ચ કેન્દ્ર બનાવવાની વિચારણા ઘણા વખતથી થઈ રહી છે પણ આ મામલે વાત આગળ વધી નથી.
અમદાવાદમાં નરોડા ખાતે ફેફસાંના રોગની અલાયદી હોસ્પિટલ બનાવવા ઘણા વખતથી માગ છે પણ 10 વર્ષના અંતે પણ કોઈ અમલ થઈ શક્યો નથી. આવા ઘણા પ્રશ્નો કેન્દ્રમાં પડતર છે.
તાજેતરમાં વિધાનસભામાં ખુદ ગુજરાત સરકારે એ વાત કબૂલી કે, કેન્દ્રમાં 18 પ્રશ્નો પડતર રહ્યા છે. આ પ્રશ્નોના ઉકેલ માટે ગુજરાત સરકારે છેલ્લાં ત્રણેક વર્ષ દરમિયાન 71 વખત રજૂઆત કરી હતી. રાજ્ય સરકારે એવોપણ ખુલાસો કર્યો કે, કેન્દ્ર સરકારે 7 વખત સકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. 11 પ્રશ્નો કેન્દ્ર સરકારની વિચારણા હેઠળ છે. આમ ગુજરાતના પડતર પ્રશ્નોનો પણ ઉકેલ આવી શક્યો નથી.

