અમદાવાદઃ ગીરના જંગલમાં અકાળે સિંહનાં મોતને લઈ હાઇકોર્ટે રેલવે વિભાગ સામે લાલઆંખ કરી છે. હાઇકોર્ટે ગીરના જંગલમાં ટ્રેનના રૂટ પર થતા સિંહનાં મોતને લઈ જવાબ આપવા રેલવે વિભાગને આદેશ કર્યો છે. હાઇકોર્ટે રેલવે વિભાગને આકરા શબ્દોમાં સિંહના મોતને લઈ રેલવે વિભાગ દ્વારા શું પગલાં ભરવામાં આવ્યાં તેનો જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. આ સાથે જ ભવિષ્યમાં રેલવે વિભાગ દ્વારા કેવાં પગલાં લેવાશે તેને લઈને પણ રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.
બૃહદ ગીરમાં છેલ્લાં 2 વર્ષમાં 184 સિંહનાં મોત થયાં હોવાનો કોર્ટ મિત્રએ ખુલાસો કર્યો છે. જેમાં 32 સિંહનાં અકસ્માતે મોતના આંકડા સામે આવ્યા છે. જંગલથી પસાર થતી રેલવે લાઇન અને ઝડપથી ચાલતી ટ્રેનથી સિંહનાં મોત થતાં હોવાની અરજીથી હાઇકોર્ટે રેલવે વિભાગને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.