અમદાવાદઃ લોકસભા 2024 ની ચૂંટણીની જાહેરાત થઈ છે, ત્યારે તમામ પક્ષ દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ તમામ પાર્ટીઓની સાથે આદિવાસી નેતા છોટુ વસાવાએ નવા પક્ષ ‘ભારત આદિવાસી સેના’ નામના સંગઠનની સ્થાપના કરી છે. આ સંગઠનના હોદ્દેદારોની આગામી સમયમાં વરણી કરાશે. ઉલ્લેખનીય છે કે છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા હાલમાં જ ભાજપમાં જોડાયા છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન થકી આપ અને કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે, ત્યારે આ ચૂંટણીમાં છોટુ વસાવાનો પક્ષ પણ ચૂંટણીમાં ઝુકાવી શકે છે.
પિતા-પુત્ર વચ્ચે ઘમાસાણ થયું હતું. બીટીપીના અધ્યક્ષ મહેશ વસાવા તાજેતરમાં જ તેઓના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા, જેથી બીટીપીનો ભાજપમાં વિલય થઈ ગયો હતો. મહેશ વસાવા દ્વારા ભાજપમાં જોડાવાની જાહેરાત કરતાં પિતા છોટુ વસાવાએ નારાજગી વ્યક્ત કરી હતી.