ડ્રગ્સ રેકેટ ઝડપવા પ્રથમ એન્ટિ નાર્કોટિક્સ ડોગ સ્ક્વોડની રચના

Wednesday 27th March 2024 05:03 EDT
 
 

અમદાવાદઃ મર્ડર, લૂંટ, અપહરણ જેવા ગંભીર ગુના ઉપરાંત ચોરી જેવા ગુનાની તપાસમાં ઘણીવાર પોલીસ ડોગ દ્વારા ગુનો ડિટેક્ટ કરવામાં આવે છે. હવે ઈન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટમાં ડ્રગ્સની હેરાફેરી રોકવા પણ ગુજરાત પોલીસ એક સ્પેશિયલ ડોગ સ્ક્વોડ બનાવવા જઈ રહી છે. જેને એન્ટિ નાર્કોટિક્સ ડોગ સ્ક્વોડ નામ આપવામાં આવ્યું છે. ડ્રગ્સની હેરાફેરી રોકવા માટે ગુજરાત પોલીસ દ્વારા આ અભિગમ સૌપ્રથમ વાર અપનાવવામાં આવ્યો છે.
 તાજેતરમાં પોરબંદરના દરિયાઇ માર્ગેથી કરોડોનું ડ્રગ્સ પકડાયું, તો થોડા સમય પહેલાં અમદાવાદ એરપોર્ટના કાર્ગોમાંથી ડીઆરઆઇએ મોટા જથ્થામાં ડ્રગ્સ જપ્ત કર્યું હતું. પોલીસ અધિકારીઓનું માનવું છે કે દરિયાઈ માર્ગો, એરપોર્ટ અને રેલવે દ્વારા છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે, જે ડ્રગ્સ મોટા ભાગે બાતમીના આધારે પકડાય છે. એટલું જ નહીં ડ્રગ્સ ઘુસાડવા માટે રૂટ્સ અને મોડસ ઓપરેન્ડી દર વખતે જુદીજુદી અજમાવવામાં આવે છે. આમ ડ્રગ્સની ઘૂસણખોરી અટકાવવા માટે બાતમી પર આધાર રાખવો ન પડે અને વિદેશથી આવતા ડ્રગ્સને ઝડપી શકાય તે માટે એન્ટિ ડોગ સ્ક્વોડની રચના કરવી જરૂરી હતી.


comments powered by Disqus