તપાસના ઘેરામાં રહેલી 41 કંપનીઓએ ભાજપને રૂ. 2471 કરોડનું ફંડ આપ્યાનો દાવો

Wednesday 27th March 2024 06:32 EDT
 
 

નવી દિલ્હીઃ સીબીઆઈ, ઈડી અને આવકવેરા વિભાગની તપાસનો સામનો કરતી 41 કંપનીઓએ ભાજપના કુલ રૂ. 2,471 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હતા. તે પૈકી 1,698 કરોડના બોન્ડ તો એજન્સીઓના દરોડા પછી ખરીદ્યા હતા એવો દાવો ઇલેક્ટોરલ બોન્ડને પડકારનારા સિવિલ સોસાયટીના સભ્યોએ સુપ્રીમ કોર્ટમાં કર્યો હતો. 30 શેલ કંપનીઓએ 143 કરોડના બોન્ડ ખરીદ્યા હતા.
અરજદારો વતી કોર્ટમાં હાજર વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું કે, 33 ગ્રૂપને તો મોટા કોન્ટ્રાક્ટ્સ અને પ્રોજેક્ટ મંજૂરી ઇલેક્ટોરલ બોન્ડ્સ દ્વારા દાન મળ્યા બાદ આપવામાં આવી હતી. તેઓએ ભાજપના કુલ 1,751 કરોડના બોન્ડ ખરીદ્યા પછી તેમને 3.7 લાખ કરોડના પ્રોજેક્ટ અને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.
ભૂષણે આ ઉપરાંત દાવો કર્યો હતો કે સીબીઆઈ, ઈડી અને આવકવેરા વિભાગની તપાસનો સામનો કરતી 41 કંપનીઓએ ભાજપના કુલ 2,471 કરોડ| રુપિયાના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા છે. તેમાના 1,698 કરોડના બોન્ડ તો એજન્સીઓના દરોડા પછી ખરીદ્યા હતા.
ભૂષણે આરોપ મૂક્યો હતો કે કમસેકમ 49 કેસોમાં ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ઈલેક્ટોરલ બોન્ડના સ્વરૂપે રૂ. 580 કરોડ અપાયા પછીના ત્રણ મહિનામાં તેમને 62,000 કરોડના પ્રોજેક્ટ મળ્યા હતા. ભૂષણનો દાવો હતો કે કલ્પતરુ જૂથે આવકવેરા વિભાગના દરોડા પડ્યાના ત્રણ મહિનામાં ઇલેક્ટોરલ બોન્ડના સ્વરૂપે 5.5 કરોડ જમા કરાવ્યા હતા.
ફ્યુચર ગેમિંગ 12 નવેમ્બર 2023 અને પહેલી ડિસેમ્બર 2021ના રોજ આઈટી અને ઈડીના દરોડા પડ્યાના ત્રણ મહિનામાં 60 કરોડ રૂપિયા ઈલેક્ટોરલ બોન્ડ પેટે આપ્યા હતા. આ જ રીતે ઓરોબિન્દો ફાર્માએ 10 નવેમ્બર 2022ના રોજ ઇડીના દરોડા પછીના ત્રણ મહિનામાં ભાજપને ઈલેક્ટોરલ બોન્ડ પેટે પાંચ કરોડ આપ્યા હતા.


comments powered by Disqus