થિમ્પુઃ ભુતાનના થિમ્પુમાં કેટલીક યુવતીઓએ ટ્રેડિશનલ ભારતીય વસ્ત્રોમાં સજ્જ થઈને પીએમ મોદી દ્વારા તાજેતરમાં લખાયેલા એક ગરબા પર પરફોર્મ કર્યું હતું. મોદીએ પૂરી એકાગ્રતા સાથે આ પર્ફોર્મન્સ નિહાળ્યું હતું અને સરાહના કરી હતી.
ભુતાનના બે દિવસના સત્તાવાર પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન મોદીને ભુતાનના રાજા ખેસર નામગ્યેલ વાંગ્યુકે તેમના દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ ધ ડુક ગ્યાલ્પો'થી સન્માનિત કર્યા છે. પીએમ મોદી ભુતાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન મેળવનારા અન્ય કોઈ દેશના સૌપ્રથમ વડાપ્રધાન બન્યા છે. મોદી 2014માં પહેલીવાર વડાપ્રધાન બન્યા બાદ ભુતાનની આ તેમની ત્રીજી મુલાકાત છે. તેમણે ભૂતાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન સ્વીકાર્યા બાદ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, હું આ સન્માન 140 કરોડ ભારતીયોને અર્પણ કરું છું.
તેમણે સમારોહમાં કહ્યું હતું કે ભુતાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન મેળવવું એક ભારતીય તરીકે મારા માટે મહત્ત્વનો પ્રસંગ છે. આમ તો દરેક સન્માન મહત્ત્વ ધરાવે છે પરંતુ અન્ય રાષ્ટ્ર તરફ્થી સન્માન મળવું એ બે દેશો વચ્ચેના સંબંધોની પ્રગતિ દર્શાવે છે, જે વધુ મજબૂત બની રહ્યા છે.
ભુતાનના સમ્રાટનો મોદીએ આભાર માન્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુતાનની બે દિવસની મુલાકાતને અંતે દિલ્હી પાછા ફર્યા છે. ભારત પાછા ફર્યા પછી તેમણે ભુતાન પ્રવાસ સાથે સંકળાયેલી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ભુતાનથી રવાના થતી વખતે રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચૂક તેમને વિમાની મથકે વિદાય આપવા આવ્યા તે બદલ રાજા અને ભુતાનના વડાપ્રધાનનો તેમણે આભાર માન્યો હતો. સોશિયલ મીડિયા પર વડાપ્રધાને લખ્યું હતું કે, “દિલ્હી માટે રવાના થતી વખતે વિમાની મથકે ભુતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચૂક અને વડાપ્રધાન શેરિંગ તોબગે મને વિદાય આપવા આવ્યા. હું ખૂબ સન્માનિત અનુભવું છું.'