ભરૂચઃ નવચોકી ઓવારા ખાતે દ્વારકા શારદાપીઠ સંચાલિત શંકરાચાર્ય મઠમાં અજાણ્યા શખ્સે આગ લગાવતાં ચકચાર મચી છે. સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં આવેલા બુકાનીધારી શખ્સે મઠમાં જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાડી હતી. ત્યારબાદ પોતાની પાસે રહેલી ઉશ્કેરણીજનક લખાણવાળી કાપલી ઉછાળી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. વહેલી સવારે આવેલો અજાણ્યો શખ્સ સીસીટીવીમાં કેદ થતાં પોલીસે તેના આધારે તપાસ હાથ ધરી છે.
પોલીસે તપાસ હાથ ધરી છેઃ એસપી
સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં એક ઇસમે આવીને મઠ પર જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાવી હતી, જેના સીસીટીવી ફૂટેજ આવ્યા છે. મેસેજ મળતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી અલગ-અલગ ટીમો બનાવી તપાસ ચાલુ કરી છે. સીસીટીવીમાં ઝડપાયેલા શખ્સને ટૂંક સમયમાં પકડી કાર્યવાહી હાથ ધરાશે.