યાત્રાધામ પાલિતાણામાં 75 હજારથી વધુ ભાવિકોએ છ ગાઉની યાત્રા કરી

Wednesday 27th March 2024 05:27 EDT
 
 

પાલિતાણાઃ સમસ્ત જૈન સંઘના અનન્ય શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્રસમાન યાત્રાધામ પાલિતાણા ખાતે શનિવારે ફાગણ સુદ તેરસના મહિમાવંતા મહાપર્વે છ ગાઉની યાત્રા (ઢેબરિયો મેળો) સુપેરે સંપન્ન થયો. શેત્રુંજય ગિરિરાજની છ ગાઉની યાત્રા માટે દેશ-વિદેશથી અંદાજે 75 હજારથી વધુ આબાલ-વૃદ્ધ જૈન તથા જૈનેતર ભાવિકો ઊમટતાં પાલિતાણામાં ચોતરફ માનવમહેરામણનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. આ તકે દેશભરના જૈન સંઘ દ્વારા આ ભાવિકોની સાધર્મિક પાલભક્તિ કરવામાં આવી હતી.
વર્ષ દરમિયાન ફક્ત એક જ વખત શાશ્વત શેત્રુંજય ગિરિરાજની છ ગાઉની યાત્રા થતી હોવાથી તેનું સમસ્ત જૈન સંઘમાં સવિશેષ મહાત્મ્ય છે. ફાગણ સુદ તેરસની યાત્રા કરવા માટે આ વર્ષે પણ દેશભરમાંથી બહોળી સંખ્યામાં યાત્રિકોની સંખ્યા જણાઈ હતી. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ટ્રસ્ટી મનીષભાઈ કનાડિયાના માર્ગદર્શન હેઠળ આ છ ગાઉની યાત્રા નિર્વિઘ્ને પુર્ણ થઈ હતી.
જય તળેટીથી મધ્યરાત્રીથી જ સાદી યાત્રાનો પ્રારંભ કરાયો હતો, જે વહેલી સવારે રામપોળમાં પ્રવેશ સાથે પૂર્ણ થઈ હતી. ભાવિકો દ્વારા છ ગાઉની યાત્રાનો પ્રારંભ વહેલી સવારથી કરાયો હતો. મોટી ટૂંકમાં આદિનાથનાં દર્શન કરી યાત્રિકોએ વિવિધ ડેરીઓ અને પગલાં ખાતે ધાર્મિક વિધિઓ સંપન્ન કરી હતી. ભાંડવા ડુંગર પર શ્રીકૃષ્ણના પુત્ર શાંમ્બ અને પ્રદ્યુમ્ન સાડા આઠ કરોડ મુનિઓ સાથે મોક્ષ પામ્યા હોવાથી ફાગણ સુદ તેરસની યાત્રાનું અનન્ય મહત્ત્વ છે. ત્યાં ભાંડવા ડુંગર પર શામ્બ અને પ્રદ્યુમ્નની ડેરીએ ચૈત્યવંદન કરી સિદ્ધવડ ખાતે યાત્રિકોએ યાત્રા પૂર્ણ કરી હતી. જ્યાં દેશભરના વિવિધ જૈન સંઘ દ્વારા ચા, ઉકાળો, બુંદી, ફ્રૂટ, ઢેબરાં, પૂરી, છાશ, દહીં અને લચ્છી સહિતની વિવિધ વાનગીઓના 90 પાલમાં ભાવિકોની ભાવ અને ભક્તિમય માહોલમાં સાધર્મિક ભક્તિ કરાઈ હતી. આ સાથે યાત્રા કરી પરત ઉતરનારા દરેક ભાવિકોનું પગ ધોઈ કંકુ તિલક કરી રૂ 40થી વધુનું સંઘપૂજન કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે આ છ ગાઉની યાત્રા માટે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ અન્ય રાજ્યો અને વિદેશમાં વસતા જૈન જૈનેતરો પણ ઊમટી પડ્યા હતા, જેમણે યાત્રા કરી ધર્મનું ભાથું બાંધવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનેક લોકો દ્વારા યાત્રાળુઓની સેવા કરવામાં આવી હતી.


comments powered by Disqus