હિંમતનગરઃ પાલનપુરમાં રિક્ષાચાલકના પુત્રએ એરોસ્પેસ એન્જિનિયરિંગમાં ઓલ ઇન્ડિયામાં 166મો રેન્ક મેળવતાં પરિવારજનોમાં ખુશી વ્યાપી છે. મધ્યમ વર્ગીય પરિવારના પિતાએ દીકરાને શ્રેષ્ઠ અભ્યાસ મળી રહે તે માટે દિવસ-રાત જોયા વિના મહેનત કરી અને હવે પરિણામ મળતાં તેમની ખુશીનો પાર રહ્યો નથી. લોકો પિતાને કહેતાં કેમ દીકરા પાછળ પૈસા બગાડો છો? જોકે, રાજકુમાર ગુપ્તા કહે છે કે મારા પુત્રનું મુંબઈ આઇઆઇટીમાં સિલેક્સન થયું છે.
પાલનપુરની કલ્યાણ સોસાયટીમાં રહેતા શિવમ રાજકુમાર ગુપ્તાએ 2024 ની એરોસ્પેસ એન્જિનિયરિંગની ગેટ એક્ઝામમાં ઓલ ઇન્ડિયામાં 166મો રેન્ક મેળવી મુંબઈ આઇઆઇટીમાં પ્રવેશ મેળવ્યો છે. પાલનપુરમાં 17 વર્ષથી સ્કૂલનાં બાળકોને રિક્ષામાં લેવા-મૂકવા જતા રાજકુમારે પેટે પાટા બાંધીને મોટાભાગનો ખર્ચ પુત્ર શિવમના અભ્યાસ માટે ઉઠાવ્યો હતો. શિવમે જણાવ્યું કે, ગુજરાતી મીડિયમમાં ભણ્યો છું. ધોરણ-10માં 82 ટકા અને ધોરણ-12માં 60 ટકા મેળવ્યા હતા. બાળપણથી જ ઈસરોના સાયન્ટિસ્ટ બનવાનું સપનું જોયું હતું.