મહેસાણાઃ વડનગરના શર્મિષ્ઠા તળાવ નજીક 2017માં ખોદકામ દરમિયાન મળી આવેલાં 11 પૈકી 7 હાડપિંજરના ડીએનએ પરથી જાણવા મળ્યું છે કે તેમાંથી એક કઝાકિસ્તાની નાગરિકનું છે. ભારતના ડીએનએ ગ્રૂપ સાથે આ પિંજર મેચ થતું નથી. આ પિંજર U2e ગ્રૂપનું એટલે કે યુરોપ અને મધ્ય એશિયાના દેશો સાથે મેચ થાય છે તેવું સાબિત થયું છે.
ભારતના ડીએનએ ગ્રૂપની વાત કરીએ તો એમ 18, એમ 30 અને એમ 37 ડીએનએ ગ્રૂપ છે. જે આ પિંજરને મળતાં આવતાં નથી. આના પરથી કહી શકાય કે વડનગરમાં 16મીથી 17મી સદી દરમિયાન વિવિધ ધર્મના લોકો રહેતા હતા. વેપાર કે ધાર્મિક કારણોસર અહીં લોકો વસવાટ કરતા હોવા જોઈએ. બહારના દેશોમાંથી લોકો ભારતના જુદાંજુદાં રાજ્યોમાં રહેતા હોવાનું પણ વડનગરથી મળેલા પિંજર પરથી નક્કી કરી શકાય તેમ એએસઆઇના અભ્યાસમાં બહાર આવ્યું છે. વડનગરમાં ખોદકામ પ્રિ-રેમ્પાર્ટ સમયગાળા એટલે કે 2જી સદી પૂર્વેથી અત્યાર સુધીની સાત સંસ્કૃતિનો અતૂટ ક્રમ પ્રકાશમાં લાવે છે.