કડી શહેરની ભાગ્યોદય હોસ્પિટલ PMJAYના કૌભાંડનું એપિ સેન્ટર

Wednesday 27th November 2024 05:05 EST
 
 

અમદાવાદઃ કોર્પોરેટ-ખાનગી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને મોકલી સરકારી યોજના થકી નાણાં કમાવવાનું રીતસર કૈાભાંડ ચાલી રહ્યું છે ત્યારે અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ જ નહી, કડી શહેરમાં ભાગ્યોદય હોસ્પિટલ જ પીએમજેવાયએ યોજનાનું એપી સેન્ટર રહ્યું છે. ભાગ્યોદય હોસ્પિટલમાં પણ અમદાવાદથી કાર્ડિયોલોજિસ્ટ બોલાવીને દર્દીઓની હાર્ટ સર્જરી કરવામાં આવતી હતી.
ભાગ્યોદય હોસ્પિટલમાં દર્દીઓની કરાયેલી સારવારના કલેઇમ સહિત અન્ય બાબતની નિષ્પક્ષ તપાસ કરાય તો મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે.
જાણકારી મુજબ ટૂંક સમયમાં જ ભાગ્યોદય હોસ્પિટલે 2700 એન્જિયોગ્રાફી અને 100 એન્જિયોપ્લાસ્ટી કરી સર્જરી પેટે આરોગ્ય વિભાગમાં ક્લેઇમ કરીને રૂ. 6 કરોડથી વધુ નાણાં મેળવ્યાં હતાં.
ટ્રસ્ટી-ડોક્ટરો ભૂગર્ભમાં
ખ્યાતિ હોસ્પિટલનું કડી સ્થિત ભાગ્યોદય હોસ્પિટલ સાથેનું કનેક્શન બહાર આવ્યુ છે કેમ કે, ગરીબ દર્દીઓની જાણ બહાર સ્ટેન્ટ નાખી કમાણી કરનારા ડો.પ્રશાંત વજીરાણીએ પોલીસ તપાસમાં આખો ભેદ ખોલ્યો છે. એટલું જ નહીં ગેરરીતિ આચરનારાં ડોક્ટરોનાં નામ આપ્યાં છે. પોલીસ તપાસ થાય તે પહેલાં જ ભાગ્યોદય હોસ્પિટલના ટ્રસ્ટીઓ ભૂગર્ભમાં ઉતર્યાં છે.
ખ્યાતિકાંડનું ભાગ્યોદય હોસ્પિટલ સાથે કનેક્શન છે કેમ કે, ડો.પ્રશાંત વજીરાણી દર મંગળવારે આ હોસ્પિટલમાં જતા હતા. સાથે સાથે અન્ય ચારેક કાર્ડિયોલોજી ડોક્ટરોની ટીમ કાર્યરત્ હતી. હવે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે ભાગ્યોદય હોસ્પિટલના ડોક્ટરો સામે પણ શંકા સેવાઈ રહી છે.


comments powered by Disqus