પાટણમાં પારકા બાળકો વેચવાનો ગોરખધંધો કરનારો ‘નકલી ડોક્ટર’ ઝડપાયો

Wednesday 27th November 2024 05:05 EST
 
 

પાટણઃ પાટણમાં એક એવો નકલી ડોક્ટર ઝડપાયો છે કે જે પારકા બાળકને દત્તક તરીકે વેચવાનો ગોરખધંધો ચલાવતો હતો. સાંતલપુરના કોરડા ગામેથી ત્રણ દિવસે પૂર્વે બોગસ ડોક્ટર સુરેશ ઠાકોર પકડાયો હતો. આ સુરેશ ઠાકોરે રાધનપુર પાલિકામાં બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવી અનાથ બાળકને નિ:સંતાન નીરવ મોદી અને તેમની પત્નીને રૂ. 1.20 લાખમાં વેચ્યું હતું. જો કે બાળક બીમાર રહેતું હોવાથી દંપતીએ બાળક પરત કર્યા બાદ રૂપિયા પરત ન આપનારા ડોક્ટર વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. બોગસ ડોક્ટર આ બાળકને ક્યાથી લાવ્યો અને બાળક કોનું છે તે ઉપરાંત બાળક વેચવાના નેટવર્ક અંગે પણ પાટણ એસ.ઓ.જી. તપાસ કરી રહી છે.
10 બાળક વેચ્યાનો ધારાસભ્યનો દાવો
સાંતલપુરના કોરડાના નકલી ડોક્ટર કેસમાં પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે મીડિયા સમક્ષ ચોકાવનારો આક્ષેપ કર્યો છે કે બાળક તસ્કરીનો આ ગુનો ખૂબ જ ગંભીર પ્રકારનો છે એક નહીં 10 થી વધુ બાળકોની તસ્કરી (વેપાર) થઈ હોવાની અમને ખાનગીમાં માહિતી મળી છે. જેમાં બાળકી હોય તો રૂ. 5 લાખ અને પુરુષ બાળકો હોય તો રૂ. 10 લાખથી વધુ રકમ લઈને ગંભીર પ્રકારનું સામાજિક કૃત્ય કરી સામાજિક દૂષણ કરાઈ રહ્યું છે. તેમણે સવાલ કર્યો હતો કે એસએસસી ફેલ વ્યક્તિ ગામમાં આઈસીયુ હોસ્પિટલ ચલાવે ત્યારે શું પાટણ જિલ્લાનું આરોગ્યતંત્ર અને વહીવટી તંત્ર જાણતું નહીં હોય અગાઉ પણ આની સામે બેથી ત્રણ વખત ફરિયાદો થઈ ચૂકી છે.


comments powered by Disqus