નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રના પહેલા દિવસે જ અદાણી સામે અમેરિકામાં કેસ, મણિપુર તેમજ સંભલમાં હિંસા અને અન્ય મુદ્દા પર વિપક્ષી સાંસદો દ્વારા સંસદના બંને ગૃહમાં હંગામો મચાવાયો હતો. હંગામાના પગલે બંને ગૃહ લોકસભા અને રાજ્યસભાની કામગીરી અવરોધાતાં સ્પીકરે સંસદના બંને ગૃહની કામગીરી બુધવાર સુધી મુલતવી રાખવા આદેશ કર્યો. વિપક્ષે અદાણી કેસ, મણિપુર હિંસા અને કેરળમાં વાયનાડ આપદા મુદ્દે સ્થગન પ્રસ્તાવ અપાયો હતો પણ તે અંગે કોઈ ચર્ચા કરવામાં ન આવતાં વિપક્ષ દ્વારા આ વિરોધ નોંધાવાયો હતો.
સંભલમાં તંગ સ્થિતિ
ઉત્તરપ્રદેશના સંભલમાં જામા મસ્જિદ પર બીજી વાર સર્વે કરવાના મુદ્દે ઊભા થયેલાં વિવાદે રવિવારે હિંસક રૂપ લીધું હતું. જેમાં 20થી વધારે પોલીસ અને 24થી વધુ લોકો ઘવાયા છે. દરમિયાન 3 લોકોના મોત થયાં છે.
મણિપુરમાં 10 હજાર જવાન મોકલશે
મણિપુરમાં ગયા વર્ષે મે મહિનાથી શરૂ થયેલી હિંસામાં અત્યાર સુધીમાં કુલ 258 લોકોનાં મોત થયાં છે. મૈતેઇ અને કૂકી સમુદાય વચ્ચે ફાટી નીકળેલી હિંસા પર કાબૂ મેળવવા કેન્દ્ર સરકાર વધુ 10 હજાર જવાનો મોકલશે.

