રાજકોટઃ ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડમાં હાલ જેલમાં રહેલા પૂર્વ ટીટીપીઓ સાગઠિયા સામે એક પછી એક ગાળિયો કસવામાં આવી રહ્યો છે, ત્યારે હવે ભ્રષ્ટાચારના મામલે એસીબી બાદ હવે ઈડી પણ તપાસમાં ઝંપલાવી રહી છે. આ માટે તેમની પત્ની અને પુત્રની ઈડી દ્વારા પૂછપરછ થવાની શક્યતા જણાઈ રહી છે.
એસીબીની તપાસ દરમિયાન સાગઠિયાની ઓફિસમાંથી કરોડો રૂપિયાની સંપત્તિના પુરાવા એસીબીને હાથ લાગ્યા હતા અને તેનો આંક રૂ. 28 કરોડ સુધી પહોંચ્યો હતો. આ ઉપરાંત ઓફિસમાંથી વિદેશી માર્કાનાં સોનાનાં બિસ્કિટ પણ મળ્યાં હતાં, જે અંગે એસીબીએ તપાસ હાથ ધરી હતી. જો કે આટલા મોટા પ્રમાણમાં બેનામી મિલકતો મળતાં હવે ઈડી દ્વારા તપાસ ધરાશે.
સાગઠિયા સામે ચાર્જશીટ
ટીઆરપી ગેમઝોનના આરોપી મનપાના પૂર્વ ટીપીઓ અને ક્લાસ-1 અધિકારી મનસુખ ધનજીભાઈ સાગઠિયા સામે એસીબીએ કરોડોની અપ્રમાણસર મિલકત અંગે ગુનો દાખલ કર્યો હતો. તપાસના અંતે એસીબીએ 800 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે. એસીબીએ અત્યાર સુધી મનસુખ સાગઠિયાની ઓફિસની ઝડતી કરતાં રૂ. 14.84 લાખના સોના-ચાંદીના દાગીના, રૂ. 3.05 કરોડની રોકડ અને રૂ. 1.82 લાખનું વિદેશી ચલણ મળી કુલ રૂ. 17.91 કરોડની જપ્ત કરી હતી. આમ રૂ. 28 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી હતી.
મ્યુનિ. કમિશનર્સે વળતર ચૂકવવું જોઈએઃ હાઇકોર્ટ
રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ કેસમાં થયેલી સુઓમોટો અરજીમાં હાઇકોર્ટે મ્યુનિસિપલ કમિશનરોએ પોતાના ખિસ્સામાંથી મૃતકોના પરિવારોને રૂ. 10 હજાર વળતર ચૂકવવું જોઈએ તેવી ટકોર કરી છે. કોર્ટે એવી પણ ટકોર કરી છે કે, આ કેસમાં જવાબદાર મ્યુનિ. કમિશનરોને જવાબદારીથી મુક્તિ આપી શકાય નહીં. સત્યશોધક કમિટીના રિપોર્ટમાં બંને જવાબદાર મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને આનંદ પટેલને ક્લીનચીટ અપાઈ છે. કોર્ટે એવી પણ ટકોર કરી હતી કે, આ કેસમાં સરકારને સાંભળ્યા બાદ કોર્ટ આખરી તર્ક પર આવશે. બીજી તરફ પીડિતો તરફથી વધુ વળતર મેળવવા માગણી કરાઈ હતી.
મહત્ત્વપૂર્ણ છે કે હાઇકોર્ટે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, કોર્પોરેશનના અધિકારીઓએ તેમના ખિસ્સામાંથી વળતર ચૂકવવું જોઈએ. કોર્પોરેશનના અધિકારીઓ પણ દુર્ઘટના માટે જવાબદાર છે.

