ઉત્તર ગુજરાતની ચાર પૈકી ત્રણ બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ

Wednesday 01st May 2024 04:41 EDT
 
 

મહેસાણાઃ ઉત્તર ગુજરાતની ચાર પૈકી મહેસાણાને બાદ કરતાં ત્રણ લોકસભા બેઠક સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણમાં આ વખતે ભાજપ-કોંગ્રેસ વચ્ચે બરાબરીની ટક્કર દેખાઈ રહી છે. ક્ષત્રિય સમાજના આંદોલન અને આંતરિક વિખવાદના કારણે સાબરકાંઠામાં ભાજપને વધારે મહેનત કરવી પડી રહી છે. બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબહેન ચૂંટણી નજીક આવતાં વધુ આક્રમક દેખાઈ રહ્યાં છે. ક્ષત્રિય સમાજે અંબાજીથી ધર્મરથ યાત્રા શરૂ કરી આંદોલનનો પાર્ટ-ટુ શરૂ કરી દીધો છે. આ ધર્મરથ હવે અન્ય જિલ્લાઓમાં પણ જશે.
સાબરકાંઠાઃ બેઠક પર હાર-જીત કરતાં વધારે રસ લોકોને ક્ષત્રિય સમાજના આંદોલનમાં છે. ભાજપનો ગઢ હોવાથી લોકોને લાગે છે કે જીત અંતે તો ભાજપની જ થશે, પરંતુ ભીખાજી ઠાકોરને બદલે શોભનાબહેન બારૈયાને ટિકિટ આપતાં વિવાદ થયો હતો. જો કે આદિવાસી મતદારોની સંખ્યા વધુ હોવાથી કોંગ્રેસને તેનો ફાયદો મળી શકે.
પાટણઃ બેઠક પર વિરોધ છતાં ભરતસિંહ ડાભીને રિપીટ કરાયા હોવાથી ભાજપના જ કાર્યકરોમાં વિરોધ થયો છે. અહીં એકમાત્ર મોદી ફેક્ટર પર જ ભાજપ જીતનો આધાર રાખી રહ્યો છે. ચંદનજી સ્થાનિક ઉમેદવાર હોવાનો કોંગ્રેસ જોર-શોરથી પ્રચાર કરે છે. સ્થાનિક લોકો કહે છે અહીં મુકાબલો બરાબરીનો છે. કોંગ્રેસ પણ અહીં મોટા નેતાઓની સભા ગોઠવી રહી છે. અગાઉ કોંગ્રેસનો ગઢ ગણાતી પાટણ લોકસભા બેઠક પર છેલ્લી 5 ચૂંટણીમાં બે વખત કોંગ્રેસ તો ત્રણ વખત ભાજપ જીત્યો છે.
બનાસકાંઠાઃ કોંગ્રેસ ઉમેદવાર ગેનીબહેન એકલા હાથે પ્રચાર કરી રહ્યાં છે. તેમનાં ભાષણોમાં બનાસડેરી અને શંકર ચૌધરી નિશાના પર છે. ગેનીબહેનની નજર ઠાકોર સમાજના 4 લાખથી વધુ વોટ પર છે. વાવ અને દાંતા વિધાનસભા બેઠક કોગ્રેંસ પાસે હોવાથી તેમને ફાયદો મળી શકે છે. વર્ષ 2009થી આ બેઠક પર સતત ભાજપની જીત થઈ રહી છે.
મહેસાણાઃ ઉત્તર ગુજરાતમાં ભાજપ માટે સહુથી સુરક્ષિત સીટ ગણાતી મહેસાણા બેઠક પર કોંગ્રેસ સામે હારનો ભાજપને ડર નથી, તેઓ માત્ર એક જ ચર્ચા કરી રહ્યા છે કે ભાજપ કેટલી લીડથી જીતશે. કોંગ્રેસના ઉમેદવાર રામાજી ઠાકોર માટે કાર્યકરો મહેનત કરી રહ્યા છે પણ પ્રચારમાં હજી મોટા નેતાઓ ગાયબ છે. બીજી તરફ ભાજપનું સંગઠન બહુ મજબૂત દેખાઈ રહ્યું છે. પાનના ગલ્લાથી લઈને ચાની કીટલી સુધી એક જ વાતની ચર્ચા છે કે ભાજપ આ વખતે કેટલા રેકોર્ડ વોટથી જીતશે.


comments powered by Disqus