અમદાવાદઃ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા કંપની વિરુદ્ધ હાઇકોર્ટ દ્વારા જાહેર કરાયેલી કન્ટેમ્પ્ટ નોટિસ અનુસંધાનમાં ઓરેવા કંપની તરફથી એફિડેવિટ રજૂ કરી કોર્ટની બિનશરતી માફી માગવામાં આવી હતી અને કંપની દ્વારા પીડિતોને લઈ આર્થિક સહાય, રોજગારી સહિતના વિવિધ મુદ્દા પર દરખાસ્ત રજૂ કરાઈ હતી.
ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલની ખંડપીઠે ઓરેવા કંપનીની માફીનો સ્વીકાર કર્યો હતો, પરંતુ પીડિતો માટે કંપની દ્વારા કોઈ નોંધનીય કામગીરી થઈ ન હોવાના મુદ્દે કંપનીને આડેહાથે લીધી હતી. હાઇકોર્ટે બહુ માર્મિક ટકોર કરી હતી કે, મોરબી ઝૂલતા પુલની જાહેર મિલકત સાથે તમે રમત રમી છે અને તેથી તમને શંકાનો લાભ ન મળે.
હાઇકોર્ટે ઓરેવા પાસેથી પીડિતો માટેનો નક્કર પ્રસ્તાવ માગ્યો હતો. હાઇકોર્ટે ઓરેવા કંપનીની ભારે ટીકા કરતાં જણાવ્યું હતું કે, મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં ઓરેવા કંપની મુખ્ય જવાબદાર અને દોષિત છે, જે દોષ ક્ષમાપાત્ર નથી ત્યારે કંપનીએ પીડિતો માટે કંઈક વધારે કરવું પડે. આ કોઈ સામાન્ય અકસ્માત કે એક્ટ ઓફ ગોડ નથી, પરંતુ તમે બ્રિજને રિપેર કરવાનો કોન્ટ્રાક્ટ લીધો ત્યારે શ્રેષ્ઠ કામ કરવાની જરૂર હતી અને તેથી તમારી જવાબદારી બને છે. કંપની તેની જવાબદારીમાંથી નિષ્ફળ નીવડી છે. તમે જાહેર મિલકત સાથે રમત રમી છે, તમને બેનિફિટ ઓફ ડાઉટ (શંકાનો લાભ) મળી શકે તેમ નથી. પીડિતો માટે વધારે કંઈક કરવાની અને તેઓને કંઈક વધુ આપવાની કંપનીની નૈતિક ફરજ બને છે.
આ ઉપરાંત ચીફ જસ્ટિસે ઓરેવા કંપનીને વેધક ટકોર કરતા જણાવ્યું હતું કે, તમે મોરબીના લોકો પાસેથી કમાઓ છો, ત્યાંથી તમને કર્મચારી મળ્યા છે, તે ન હોત તો તમારી કંપની કેવી રીતે ચાલી શકે? સમાજના જવાબદાર વ્યકિત હોવા છતાં તમે બેજવાબદાર સાબિત થયા છો અને તેથી અદાલત તમારી પાસેથી નક્કર પ્રસ્તાવ માગી રહી છે. હાઈકોર્ટે 19 જૂન સુધીમાં નક્કર પ્રસ્તાવ રજૂ કરી દેવા કંપનીને કડક તાકીદ કરી હતી.
તમે ક્યારેય વિકલાંગ પીડિતો અને આશ્રિતો વિશે વિચાર્યું?
ચીફ જસ્ટિસની ખંડપીઠે ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલને ઉદ્દેશીને ટકોર કરી કે, તમે ક્યારેય તમારી ચેમ્બરમાં બેસીને જે લોકો આ દુર્ઘટનામાં વિકલાંગ બન્યા છે કે પીડિત-આશ્રિત બન્યા છે તેમના વિશે વિચાર્યું છે? જેઓનો કોઈ વાંક જ ન હતો. તમે એ વિકલાંગ વ્યક્તિની સ્થિતિમાં તમારી જાતને મૂકીને વિચાર્યું છે કે, જો તમારી પાસે પૈસા ન હોય, તો સમાજમાં તમે કેવી રીતે અસ્તિત્વ ટકાવી શકો ? કેવી રીતે યોગ્ય ભોજન પામી શકો. સૂઈ શકો કે સંઘર્ષ કરી શકો?

