અમદાવાદઃ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના 299માંથી 39 સામે ગુનાઓ અને 21 સામે ગંભીર પ્રકારના ગુના નોંધાયા છે. જેમાં કોંગ્રેસમાંથી 6, ભાજપમાંથી ચાર ઉમેદવાર ગુનાઇત ઈતિહાસ ધરાવે છે. વાત સંપત્તિની કરવામાં આવે તો 266માંથી 68 ઉમેદવારો કરોડપતિ છે. જામનગરથી ભાજપનાં ઉમેદવાર પૂનમ માડમ સૌથી વધુ રૂ. 147 કરોડની સંપત્તિ ધરાવે છે. ગાંધીનગરથી ભાજપના ઉમેદવાર અમીત શાહ બીજા અને નવસારીથી ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલ ત્રીજા સ્થાને છે.
લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા અગાઉ 266 ઉમેદવારોની એફિડેવિટને આધારે તેમનું વિશ્લેષણ જાહેર કરાયું છે. ભરૂચના આપ ઉમેદવાર ચૈતર વસાવા સામે 13 ગુના નોંધાયેલા છે. આ પૈકી 12 પ્રકારની કલમ અને 18 અન્ય કલમ હેઠળ નોંધાયા છે. ગુનાઇત ઈતિહાસ ધરાવતા ઉમેદવારો 2014માં 66, 2019માં 68 હતા. આમ ગુનાઈત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોનું પ્રમાણ
ઘટ્યું છે.
57 ટકા ઉમેદવારનો અભ્યાસ ધો. 12 સુધી
કુલ 296 ઉમેદવારોમાંથી 152 એટલે કે 57 ટકા ઉમેદવારોએ 5 થી 12 વચ્ચે શિક્ષણ મેળવ્યું છે. તો બીજી તરફ 79 એટલે કે 30 ટકા ઉમેદવારોએ ગ્રેજ્યુએશન અથવા તેથી વધુનુ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. 5 ઉમેદવારો ડોક્ટરેટ છે, જેમાં પોરબંદરના ડોક્ટર મનસુખ માંડવિયા, બનાસકાંઠાના ડોક્ટર રેખાબેન ચૌધરી, જુનાગઢના જયંતિલાલ માંકડિયા, વડોદરાના ડોક્ટર રાહુલ વ્યાસ સામેલ છે.
રેખા ચૌધરીની સૌથી ઓછી મિલકત
લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના 10 ઉમેદવારો એવા છે કે જેની સંપત્તિ રૂપિયા 50 હજારથી પણ ઓછી છે, જેમાં બારડોલીનાં રેખાબેન ચૌધરી, કે જેઓ બીએસપી માટે લડી રહ્યા છે. જેમની સંપત્તિ સૌથી ઓછી રૂપિયા 2 હજારની છે. આ સિવાય, વડોદરાના નિલેશ વસાઇકર, સાબરકાંઠાના વરુણ કટારા, રૂપિયા 20 હજારથી પણ ઓછી સંપત્તિ ધરાવે છે.

