રાજકોટઃ ગુજરાતની રાજકોટ લોકસભા બેઠકથી ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ એકવાર ફરી ક્ષત્રિય સમુદાયની માફી માગી છે. જસદણમાં આયોજિત એક સભાને સંબોધિત કરતાં રૂપાલાએ કહ્યું હતું કે, ભૂલ મેં કરી છે, સાર્વજનિક માફી પણ માગી છે. મારો કોઈ બદઇરાદો નહોતો, મેં ક્ષત્રિય સમાજની વચ્ચે જઈને માફી માગી છે. પણ પ્રધાનમંત્રી મોદી સામે વિરોધ કેમ?
પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમુદાયને કહ્યું કે, તમે તમારા રાષ્ટ્રના યોગદાનને યાદ કરો. ભાજપના વિકાસમાં પણ તમારું મોટું યોગદાન છે. 18 કલાક કામ કરનારા પ્રધાનમંત્રી મોદી જ્યારે દેશ સિવાય કંઈ ન વિચારતા હોય, 140 કરોડ ભારતીયોને પોતાનો પરિવાર સમજતા હોય, તેમની આ વિજયગાથામાં અનેક ક્ષત્રિયો સાથે રહ્યા હોય, તો તેમનો વિરોધ કેમ? મારી ભૂલ હું સ્વીકાર કરું છું, પરંતુ પ્રધાનમંત્રી મોદી વિરુદ્ધ ક્ષત્રિય સમુદાયને ઊભો કરવો મને યોગ્ય નથી લાગતું. પુનઃવિચાર કરવામાં આવે.
અન્ય રાજ્યોમાં પણ વિરોધ
ભાજપના ડેમેજ કંટ્રોલના પ્રયત્ન છતાં ગુજરાત, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન જેવાં રાજ્યોમાં ક્ષત્રિય સમુદાયમાં ગુસ્સો ઓછો થતો દેખાઈ રહ્યો નથી. છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં આ રાજ્યોમાં ભાજપ વિરુદ્ધ ક્ષત્રિય સમુદાયની તરફથી નિયમિત વિરોધ કરવામાં આવી રહ્યો છે.

