ઓસ્ટ્રેલિયાથી આવેલા યુવકના મૃતદેહને સ્પેરપાર્ટ સમજીને અન્યને સોંપી દેવાયો

Wednesday 03rd April 2024 06:47 EDT
 
 

અમદાવાદઃ વિદેશમાં મૃત્યુ પામેલા યુવકનો મૃતદેહ અમદાવાદ એરપોર્ટ પર લવાયો હતો, જે બોક્સને સ્થાનિક કર્મચારીઓએ સ્પેરપાર્ટ સમજી અન્ય કોઈને સોંપી દેવાયો હોવાની ઘટના અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બની છે. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગરના યુવાનનું ઓસ્ટ્રેલિયામાં મૃત્યુ થયા બાદ તેના કોફિનને એર ઇન્ડિયાની ફ્લાઇટ દ્વારા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મોકલવામાં આવ્યું હતું.
ખરાઈ વિના જ અન્યને સોંપાતાં રોષ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે વિદેશથી રોજ સરેરાશ 177 મેટ્રિક ટન કાર્ગો આવે છે. આ ઉપરાંત દરરોજ સરેરાશ 240 ફ્લાઇટની અવર-જવર પણ થાય છે. 27 માર્ચે ઓસ્ટ્રેલિયાથી આવેલી એર ઇન્ડિયાની કાર્ગો ફ્લાઇટમાં સુરેન્દ્રનગરના 26 વર્ષીય જીલ ખોખરાનો મૃતદેહ આવ્યો હતો. વહાલસોયા પુત્રનો મૃતદેહ લેવા માટે પરિવાર અમદાવાદ એરપોર્ટ પહોંચ્યો, પરંતુ એરપોર્ટ પહોંચતાં સ્ટાફે જીલના મૃતદેહના કોફિનને કોઈ કંપનીના સ્પેરપાર્ટ સમજી અન્યત્ર મોકલી દેવાયો હોવાનું જણાવ્યું હતુ.ં આ બેદરકારીના પગલે મૃતક યુવાન જીલના પરિવારમાં રોષ જોવા મળ્યો હતો.
કોર્પોરેટ બિલ્ડિંગમાં કોફિન મોકલ્યું
એરપોર્ટના કાર્ગો અધિકારીએ કોઈપણ દસ્તાવેજ ચકાસ્યા વિના જ કોફિન સોંપી દેવાયા બાદ તે કોર્પોરેટ બિલ્ડિંગમાં પહોંચી ગયું હતું. આ અંગેની જાણ થતાં યુવાનનો પરિવાર તુરંત ત્યાં પહોંચ્યો હતો.
પરિવારની 8 કલાક રઝળપાટ
વહાલસોયાના મોતથી પરેશાન પરિવારને મૃતદેહ માટે સતત 8 કલાક સુધી રઝળપાટ કરવી પડી હતી. ઘટનાના પગલે સતર્ક થયેલી પોલીસ, એરપોર્ટ ઓથોરિટીએ તપાસ કરતાં મૃતદેહને ખોટા સરનામે વસ્ત્રાપુરથી પરિવારને મળી આવ્યો હતો.
તપાસ ચાલી રહી છેઃ એરપોર્ટ મેનેજર
એરલાઇન્સે કહ્યું, 'અમારું કામ કાર્ગોને એરપોર્ટના કાર્ગોમાં સોંપવાનું છે. એરપોર્ટ મેનેજમેન્ટે આ મામલે તપાસ ચાલતી હોવાનું જણાવ્યું છે.


comments powered by Disqus