ખેડાઃ યાત્રાધામ ડાકોરમાં 1 એપ્રિલે સોમવારે સવારે મંગળા આરતી સમયે ભક્તો દર્શન કરવાની જગ્યાને લઈ બાખડ્યા હતા, જે મામલો પોલીસ મથક સુધી લંબાયો છે.
સમગ્ર બાબતને લઈને વૈષ્ણવોનું ટોળું પોલીસ સ્ટેશને પહોંચ્યું હતું. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મંગળા આરતીને લઈ મંદિરના દ્વાર ખૂલતા પહેલાં જ બહારથી આવેલા અને સ્થાનિક ભક્તોની ભારે ભીડ ઊમટી હતી. ભક્તો ડાકોરના ઠાકોરના બંધ દરવાજા ખોલી દર્શન માટે પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે ગર્ભગૃહની સામે જ મંદિર પરિસરમાં કેટલાક ભક્તો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી, જે બાદ આ ભક્તો વચ્ચે છૂટહાથે મારામારી થઈ હતી. મારામારીની ઘટના બનતાં ડાકોર મંદિરની રણછોડ સેનાએ અને પોલીસે મારામારી કરતા ભક્તોને સમજાવી બહાર કાઢ્યા હતા. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

