પૂર્વ IPS સંજીવ ભટ્ટને ડ્રગ્સ કેસમાં 20 વર્ષની સજા: રૂ. 2 લાખનો દંડ

Wednesday 03rd April 2024 07:25 EDT
 
 

પાલનપુરઃ પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટે નોંધેલા ખોટા નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક કેસ મુદ્દે પાલનપુરની બીજી એડિશનલ સેશન્સ કોર્ટે તેમને દોષિત જાહેર કરીને 20 વર્ષની સજા અને રૂ. 2 લાખનો દંડ ફટકાર્યો છે. પાલનપુરની સબજેલમાં બંધ સંજીવ ભટ્ટને પાલનપુરની સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે સંજીવ ભટ્ટને 20 વર્ષની સખત કેદની સજા અને રૂ. 2 લાખનો દંડ ફટકાર્યો છે. નોંધનીય છે કે, સંજીવ ભટ્ટ પર 1996માં પાલનપુરની હોટેલમાં રાજસ્થાનના વકીલના રૂમમાં ખોટી રીતે ડ્રગ્સ પ્લાન્ટ કરી ફસાવવાનો આરોપ લાગ્યો હતો. 5 સપ્ટેમ્બર 2018એ સંજીવ ભટ્ટની ધરપકડ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, સંજીવ ભટ્ટ પહેલેથી જ 1989ના કસ્ટોડિયલ ડેથના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. તેમણે 1989ના
વર્ષમાં રમખાણો દરમિયાન અટક કરેલા યુવાનનું કસ્ટડીમાં મોત થયું હતું. આજીવન કેદની સજા પૂર્ણ થયા બાદ આ કેસની સજાની શરૂઆત થશે.
શું હતો કેસ?
પાલનપુરની એક હોટેલના રૂમમાં અફીણનો જથ્થો મુકાવી રાજસ્થાનના પાલીના એક વકીલને ખોટા કેસમાં ફસાવી દેવાના કેસમાં તેમની ધરપકડ કરાઈ હતી. ઉપરાંત સીઆઇડી ક્રાઇમે પાલનપુરના તત્કાલીન પીઆઇ વ્યાસની પણ ધરપકડ કરી હતી. 30 એપ્રિલ 1996એ એક કેસ દાખલ કરાયો હતો, જેમાં પાલનપુરની લાજવંતી હોટેલમાં સુમેરસિંહ રાજપુરોહિત અફીણનો જથ્થો લઈને આવવાના હોવાની બાતમીના પગલે પોલીસે રેડ કરી એક કિલો 15 ગ્રામ અફીણ કબજે કર્યું હતું.
સંજીવ ભટ્ટ અને વિવાદો
સંજીવ ભટ્ટ જ્યારે ગોધરાકાંડના મામલે આક્ષેપ કરી રહ્યા હતા, ત્યારે તેમને એક સુરક્ષાકર્મી સાથે ઝઘડો થયો હતો. આ દરમિયાન તેમણે સુરક્ષાકર્મીને લાફો મારી દીધો અને તેની ફરિયાદ પણ નોંધાઈ હતી. એટલું જ નહીં સંજીવ ભટ્ટે પોતાના મેમનગર પાસેના બંગલોમાં ગેરકાયદે બાંધકામ કરતાં પણ વિવાદ થયો હતો.
સંજીવે નરેન્દ્ર મોદી પર સવાલ ઉઠાવ્યા હતા
સંજીવ ભટ્ટે 2011માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરતાં ખૂબ કાયદાકીય વિવાદ થયો હતો. આ સોગંદનામામાં તેમણે નરેન્દ્ર મોદી પર સવાલો ઉઠાવતાં કહ્યું હતું કે, 2002નાં રમખાણો માટે રચવામાં આવેલી એસઆઇટી પર તેમને વિશ્વાસ નથી. તો બીજી તરફ ગુજરાત રાજ્યના અધિકારીઓએ ભટ્ટ પર આરોપ લગાવતાં કહ્યું હતું કે, તેઓ મોદી પર ખોટા આરોપ લગાવી રહ્યા છે.
પાલનપુર જેલમાં રાખવા પત્નીની અરજી
પાલનપુરની બીજી એડિશનલ એન્ડ સેશન્સ જજે પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા ફટકાર્યા બાદ તેમને પાકા કામના કેદી તરીકે અમદાવાદની સાબરમતી, રાજકોટ, જૂનાગઢ કે રાજ્યની અન્ય જેલમાં જવું પડે એવી સ્થિતિ સર્જાઈ છે. તેવામાં સંજીવ ભટ્ટની પત્નીએ પાલનપુરની સબજેલ જ સંજીવ ભટ્ટ માટે સલામત છે તેમ કહી તેમને અહીં રાખવા હાઇકોર્ટમાં અરજી કરી છે.
ચુકાદા બાદ વ્યથિત સ્મિતા ભટ્ટે સતત જુદીજુદી પ્રતિક્રિયા આપી હતી. સતત એકતરફી કાર્યવાહી રહી, જે પણ અરજી કરીએ એ રિજેક્ટ થાય. જેલ બદલવા અરજી કેમ કરવી પડી તેના જવાબમાં જણાવ્યું કે, “જેમ બિલકિસ બાનુના કેસમાં બધા જ આરોપીને સલામતીની દૃષ્ટિએ એક જ જગ્યાએ રાખવામાં આવ્યા. તેમ મને તેમની સુરક્ષાની ચિંતા છે. તેમણે અનેક ગેંગસ્ટર ઝડપ્યા છે. મુંબઈમાં આરડીએક્સ કેસના આરોપીઓને પકડ્યા છે. એ બધા જ જુદીજુદી જેલમાં કેદ છે. મને સુરક્ષાનો પ્રશ્ન મુંઝવી રહ્યો છે. મને કોઈ પર ભરોસો નથી. પાલનપુર અમારા માટે અમદાવાદથી દૂર છે, પરંતુ તેમની સુરક્ષા માટે પાલનપુર વધુ સલામત છે.


comments powered by Disqus