ગાંધીનગરઃ ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પર જેમજેમ ચૂંટણી નજીક આવી રહી છે, તેમતેમ રાજકારણ ગરમાઈ રહ્યું છે. એક તરફ ભાજપે સતત સાતમી વખત મનસુખ વસાવાને ટિકિટ આપી છે, ત્યારે સામે આપે ચૈતર વસાવા, જ્યારેે ભારતીય આદિવાસી પાર્ટીના નેજા હેઠળ ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ ભરૂચ લોકસભા બેઠક જાતે લડવા અથવા તો પોતાના પુત્ર દિલીપ વસાવાને ચૂંટણી મેદાનમાં ઉતારવાની તૈયારી આરંભી દીધી છે. આ રસાકસીમાં હવે AIMIM પણ ઉમેદવાર ઊભો રાખશે.
પોતાના નિવાસસ્થાન ઝઘડિયા તાલુકાના વાસણા ગામેથી છોટુ વસાવાએ ભારતીય આદિવાસી પાર્ટી (BAP) તરફથી લડવાની જાહેરાત કરી દીધી છે. આ બાબતે છોટુ વસાવાએ જણાવ્યું હતું કે, ભાજપવાળા એમ માનતા હતા કે ગુજરાતમાં જગ્યા ખાલી જ છે, એટલે ટ્રાઇબલમાં ઘૂસી જઈએ, પરંતુ અમારી હાજરી પણ અહીં છે. હવે સ્થિતિ એ છે કે ભરૂચ લોકસભા બેઠક પર AIMIM ઉમેદવાર ઉતારશે એવી જાહેરાત બાદ લઘુમતી મતોનું વિભાજન થવાથી ઇન્ડિયા ગઠબંધનના આપ ઉમેદવાર ચૈતર વસાવાને એનું મોટુ નુકસાન થવાનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે.

