ભારતીય વિજ્ઞાન મોનિટરની યાદી જાહેરઃ ડો. પંકજ જોશીનો ટોપ-10માં સમાવેશ

Wednesday 03rd April 2024 06:47 EDT
 
 

ભાવનગર: વિશ્વના સૌથી શ્રેષ્ઠ 2 ટકા વિજ્ઞાનીઓની ભારતીય વિજ્ઞાન મોનિટરની યાદીમાં ભાવનગરના વતની અને અમદાવાદ રહેતા ભૌતિકશાસ્ત્રી અને વિજ્ઞાની ડો.. પંકજભાઈ જોશીનો સમાવેશ કરાયો. અગાઉ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની યાદીમાં પણ તેમનું નામ હતું. ચૈન્નાઈના ભારતીય વિજ્ઞાન મોનિટરની થિન્ક ટેન્ક દ્વારા ડો. પંકજભાઈને વર્ષ 2023 માટે ભારતના અને ભારતીય મૂળના ટોપ-10 વિજ્ઞાની પૈકીના એક તરીકે નામાંકિત કર્યા છે. વિશ્વમાંથી વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે માહિતી એકઠી કર્યા બાદ ભારતીય વિજ્ઞાન મોનિટરના તજજ્ઞોની ટીમે આ પસંદગી કરી છે. આમ ભારતના અને વિશ્વના ભારતીય મૂળના ટોચના 10 વિજ્ઞાનીમાં તેમનું નામ સામેલ થયું છે. તેમાં પ્રો. જયંત નારલીકર, ઇસરોના ટેસી થોમસ અને એમઆઇટી (યુએસએ) સહિતના લોકોનો સમાવેશ થાય છે.
તેઓએ રવિજ્ઞાન ક્ષેત્રે લોકો જાગ્રત થાય તે માટે સરળ ભાષામાં પોતાના પુસ્તકો અને લેખો લખ્યા છે. એસ્ટ્રોનોમી, કોસ્મોલોજી અને એસ્ટ્રો ફિઝિક્સ જેવા જટિલ વિષયોને સરળ રીતે સમજાવતાં તેમના પુસ્તકો લોકોમાં ભારે લોકપ્રિય થયાં છે. આ અનુસંધાને તેઓએ સાયન્સ અને કોસ્મોલોજી પર 15 થી પણ વધારે પુસ્તકો લખ્યા છે અને અત્યાર સુધીમાં તેની અઢી લાખથી વધુ નકલો વહેંચાઈ ગઈ છે તેમના લોકપ્રિય પુસ્તકોમાં ધારા સૃષ્ટિ પ્રયોગોની મજા અને ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા પબ્લિશ કરવામાં આવેલા અને 6 ભાગમાં વહેંચાયેલા પુસ્તક શ્રેણી કુતૂહલનો સમાવેશ થાય છે. ડો. જોશીએ બ્લેક હોલ ફિઝિક્સ અને ગ્રેવિટેશન થિયરીમાં યોગદાન આપ્યું છે, તેમણે બ્લેક હોલ વિશે રજૂ કરેલી નેકેડ સિંગ્યુલારિટી નામની થિયરીનો વિશ્વસ્તરે સ્વીકાર થયો છે.


comments powered by Disqus