માધાપરના NRI પરિવાર દ્વારા ડાયાલિસીસ મશીનનું દાન

Wednesday 03rd April 2024 07:25 EDT
 
 

કેરાઃ કચ્છ જિલ્લાનો સૌથી મોટો અને ગરીબો માટે તદ્દન નિ:શુલ્ક લેઉવા પટેલ હોસ્પિટલનો ‘જયસામ’ ડાયાલિસીસ વિભાગ કરુણાની મીઠી વીરડી બન્યો છે. જેમાં સેવા થતી જોઈ વધુ એક મશીન માધાપરના દાતા પરિવારે દાન આપ્યું હતું.
મૂળ માધાપરના પરંતુ હાલ યુકેના લંડનસ્થિત સ્વ. રતિલાલભાઈ લાલજી સિયાણીનાં પુત્રી લક્ષ્મીબહેન અને નિર્મળા બહેન અને જમાઈ જયંતીભાઈ એમ સહપરિવાર દ્વારા કચ્છી લેઉવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ સંચાલિત માતા મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરને રૂ. 7.50 લાખનો ચેક ડાયાલિસીસ વિભાગમાં મશીનમાટે દાનપેટે અપાયો હતો.
ટ્રસ્ટે મશીન માટે દાન સ્વીકારતાં આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ નિમિત્તે સમાજ પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા, ટ્રસ્ટ મંત્રી મનજીભાઈ પિંડોરિયા, વ્યવસ્થાપક પ્રદીપ ભીંગરાડિયા, હિસાબનીશ અશ્વિન પિંડોરિયા ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયા, ઉપાધ્યક્ષ કેસરાભાઇ પિંડોરિયા, લેઉવા પટેલ હોસ્પિટલના સંચાલક ટ્રસ્ટી અરજણભાઈ પિંડોરિયાએ ગરીબ-જરૂરિયાતમંદ દર્દીઓને મફત ડાયાલિસીસની સેવા અવિરત રાખવા બદલ દાતાઓને સંપૂર્ણ યશ આપી તેમનો આભાર માન્યો હતો. ભવિષ્યમાં ઉત્તરોત્તર મશીન ઉપલબ્ધિ સાથે આ વિભાગને 72 મશીન સુધી લઈ જવા ટ્રસ્ટે નિર્ધાર વ્યક્ત કર્યો હતો.


comments powered by Disqus