પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને રવિવારે દેશનું સર્વોચ્ચ સન્માન ‘ભારતરત્ન’ એનાયત થયું હતું. 96 વર્ષના અડવાણીની તબિયત નાદુરસ્ત હોવાથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમના નિવાસસ્થાને ગયા હતા અને તેમને આ સર્વોચ્ચ સન્માનથી પોંખ્યા હતા. આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર પણ હાજર હતા. ઉલ્લેખનીય છે કે વર્ષ 2015માં અડવાણીને બીજા ક્રમનું સર્વોચ્ચ સન્માન પદ્મ વિભૂષણ એનાયત થયું હતું. રાષ્ટ્રપતિ ભવનના જણાવ્યા અનુસાર, અડવાણીએ 70 વર્ષ સુધી દેશની સેવા કરી છે. તેમનો સંઘર્ષ 2024માં અયોધ્યામાં શ્રી રામ મંદિરના પુનર્નિર્માણમાં પરિણમ્યો હતો.
આ પૂર્વે શનિવારે રાષ્ટ્રપતિભવનમાં યોજાયેલા શાનદાર સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ ભૂતપૂર્વ વડાપ્રધાનો નરસિંહા રાવ અને ચરણસિંહ તેમજ બિહારના ભુતપૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર અને ભારતમાં હરિયાળી ક્રાંતિના જનક તરીકે જાણીતા કૃષિ વૈજ્ઞાનિક ડો. એમ.એસ. સ્વામિનાથનને મરણોપરાંત ભારતરત્નથી સન્માનિત કર્યા હતાં. સમારંભમાં નરસિંહ રાવના પુત્ર પી.વી. પ્રભાકર રાવે, ચરણસિંહના પૌત્ર જયંત ચૌધરીએ, કર્પૂરી ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુરે અને એમ.એસ. સ્વામિનાથનના પુત્રી નિત્યા રાવે રાષ્ટ્રપતિના હસ્તે આ સન્માન સ્વીકાર્યું હતું.
53 વ્યક્તિવિશેષને સર્વોચ્ચ સન્માન
1954થી અત્યાર સુધીમાં 53 વ્યક્તિત્વ ભારતરત્ન બની ચૂક્યા છે. 2024માં અડવાણી સહિત પાંચ મહાનુભાવને ભારતરત્ન અપાયો છે.


