અમદાવાદઃ મતદારો સાથે નહીં, પણ સત્તા સાથે રહેવું એ ચૂંટાયેલા જનપ્રતિનિધીઓનો મત રહ્યો છે. વિપક્ષના ધારાસભ્યો પક્ષની વંડી ઠેકવામાં જરાય ખચકાટ અનુભવતા નથી. બીજી તરફ, સત્તાપક્ષ ભાજપે પણ કોંગ્રેસીઓ માટે જાણે લાલજાજમ પાથરી છે. ભાજપમાં પક્ષપલટુઓનો એટલો દબદબો રહ્યો છે કે, પક્ષ માટે જાત ઘસનારાં શોધ્યા જડતા નથી. કમલમ જાણે પક્ષપલટુઓથી ઊભરાયું છે.
આ વખતે લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીમાં કુલ મળીને 11 કોંગ્રેસી ગોત્રના લોકોને ભાજપે ચૂંટણી મેદાને ઉતાર્યા છે. મહત્ત્વની વાત એ છે કે, વર્ષોથી ચૂંટણી લડવા ઇચ્છુક મૂળ ભાજપના નેતા- કાર્યકરોની ચૂંટણી લડવાની ઈચ્છા અધૂરી રહી છે, ત્યારે હમણા આવેલા પક્ષપલટુઓને ભાજપે ટિકિટ આપી રાજકીય ઇનામ ધર્યું છે. આમ ઘરનાં છોકરાં ઘંટી ચાટે... એવો ઘાટ સર્જાયો છે. ભાજપ નેતાગીરીની આ નીતિને કારણે આંતરિક અસંતોષ ચરમ પર છે.
ભાજપ હાઇ કમાન્ડે લોકસભાના 26 ઉમેદવારોના નામોની ઘોષણા કરી દીધી છે. સાથે સાથે વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકો પર પણ ઉમેદવારો જાહેર કર્યા છે. 31 બેઠકો પૈકી 11 બેઠકો પર પક્ષપલટુઓ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. લોકસભાના ઉમેદવારની વાત કરીએ તો, બારડોલી બેઠક પર પ્રભુ વસાવા, જામનગરમાં પૂનમ માડમ, પાટણ બેઠક પર ભરતસિંહ ડાભી, ખેડામાં દેવુસિંહ ચૌહાણ, કચ્છમાં વિનોદ ચાવડાનુ મૂળ ગોત્ર કોંગ્રેસ છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં ચંદુ શિહોરા, સાબરકાંઠામાં શોભના બારૈયા પણ મૂળ કોંગ્રેસી છે.
આ જ પ્રમાણે વિધાનસભા પેટાચૂંટણીના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા, સી.જે. ચાવડા, ચિરાગ પટેલ અને અરવિંદ લાડાણી પણ કોંગ્રેસી છે. લોકસભા-પેટાચૂંટણી જીતવા ભાજપ હાઇ કમાન્ડે પક્ષપલટુઓનો સહારો લેવો પડ્યો છે. લોકસભાની ચૂંટણીમાં મૂળ કોંગ્રેસીઓને ઘરભેગા કરીને અન્યને તક અપાશે તેવું અનુમાન ખોટું પડ્યું હતું, જેથી મૂળ ભાજપના અનેક નેતાઓના સાંસદ બનવાના અરમાન અધૂરા રહી ગયા હતાં.
ભાજપના નેતા- કાર્યકરોના કરમની કઠણાઈ જુઓ, ગઈકાલ સુધી જેમણે ભાજપને ગાળો ભાંડી એમને ખભે બેસાડી મતદારો સમક્ષ મત માગવા જવું પડશે. એટલું જ નહીં, પક્ષપલટુઓનો ભાજપમાં દબદબો વધ્યો છેે.
ભાજપના બે સાંસદોએ ઘરે બેસવુ પડ્યું
રાજકીય સોદા પાર પાડી પક્ષપલટુઓ ધાર્યું કરી રહ્યા છે જેના કારણે ભાજપના સંનિષ્ઠ કાર્યકરોને ઠેંગો બતાવી દેવાયો છે. આ વખતે લોકસભાની ત્રણ બેઠકો પર પક્ષપલટુને ટિકિટ અપાઈ છે. સુરેન્દ્રનગરમાં ચંદુ શિહોરા, સાબરકાંઠામાં શોભના બારૈયાને ટિકિટ અપાઈ છે જેના કારણે ભાજપના કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા, દીપસિંહ રાઠોડને ઘેર બેસવું પડ્યું છે.

