મહેસાણાઃ વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપ હાઇકમાન્ડે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સી.જે. ચાવડાને ટિકિટ આપતાં વર્ષોથી ભાજપના વફાદાર ગણાતા કુકરવાડાના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદ પટેલ દ્વારા અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે તેમણે પક્ષમાંથી રાજીનામું પણ ધરી દીધું હતું. જો કે ગોવિંદ પટેલનો આ અસંતોષ ડામવામાં પક્ષને મોટી સફળતા મળી છે.
રાજીનામું આપનાર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગોવિંદ પટેલને ભાજપ સંગઠને મનાવી લીધા છે. વિજાપુર બેઠક પર કોંગ્રેસમાંથી આયાતી સી.જે. ચાવડાને ટિકિટ અપાયા બાદ ગોવિંદ પટેલે નારાજગી વ્યક્ત કરી રાજીનામું ધરી દેતાં રાજકીય માહોલ ગરમાયો હતો. વિજાપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જાહેર થઈ છે, ત્યારે ભાજપ પણ સાવચેત બન્યું હતું અને ગાંધીનગરમાં રત્નાકરજી સાથે મુલાકાત બાદ ગોવિંદભાઈ પટેલને મનાવી લેવાયા હતા.
ગોવિંદ પટેલે નારાજગી દર્શાવી રાજીનામું આપતાં મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ અને પ્રદેશ મહામંત્રી દોડતા થયા હતા.

