‘પડીકાંથી મત નહીં ખરીદાય’: ગેનીબહેન આ તો પ્રભુના પ્રસાદનું અપમાનઃ ભાજપ

Wednesday 03rd April 2024 07:26 EDT
 
 

પાલનપુરઃ બનાસકાંઠાના ખેડૂતોને ભાજપ દ્વારા હાલ કાશીવિશ્વનાથનો પ્રસાદ પેકેટ દ્વારા વહેંચવામાં આવ્યો. વારાણસીમાં સ્થપાયેલી બનાસ ડેરીએ તૈયાર કરેલાં આ પેકેટ મતદાતાઓ સુધી પહોંચાડવામાં આવતાં વિવાદ શરૂ થયો છે. કોંગ્રેસનાં મહિલા ઉમેદવાર ગેનીબહેન ઠાકોરે નિવેદન કર્યું છે કે, આ પડીકાં મતદાતાઓ વેચાશે નહીં, કે ભાજપ મત ખરીદી શકશે નહીં. તેનો વળતો જવાબ આપતાં ભાજપે કહ્યું કે, ભગવાનના પ્રસાદનો ગેનીબહેને પડીકાં તરીકે ઉલ્લેખ કરી પ્રસાદનું અપમાન કર્યું છે.
ગેનીબહેને પોતાની પ્રચાર સભામાં ભાજપ સહકારી માળખાનો દુરુપયોગ કરી રહ્યો હોવાનો આક્ષેપ પણ કર્યો છે. તેમણે મીઠાઈનાં પેકેટ મતદાતાને લાલચ સ્વરૂપે વહેંચાતા હોવાનું જણાવ્યું. ગેનીબહેને જણાવ્યું કે, દિવાળી કે તહેવારો પર મીઠાઈનાં પેકેટ વહેંચ્યાં હોત તો અમે એમ માનીએ કે બનાસ ડેરી ખેડૂતો અને પશુપાલકોની છે. આજે ચૂંટણી આવી છે તેથી તેઓ સત્તાનો દુરુપયોગ કરીને પડીકાં મોકલે છે.
ગેનીબહેનના આક્ષેપ પર ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું, બનાસ ડેરી ખેડૂતો અને પશુપાલકો માટે જીવાદોરીસમાન છે. ડેરીની વિકાસગાથા બનાસથી બનારસ સુધી પહોંચી છે. કાશી વિશ્વનાથનો પ્રસાદ બનાસકાંઠાના ઘર-ઘર સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરાઈ હતી.


comments powered by Disqus