ભુજઃ કચ્છના ઇતિહાસમાં વર્ષનો અંતિમ દિવસ સોનેરી અક્ષરોમાં લખાયો છે, કારણ કે દીકરીઓ ભણી શકે એ માટે દાતાએ રૂ. 151 કરોડની માતબર રકમની જાહેરાત કરી છે. મૂળ ભુજના ફોટડીના અને હાલ મોમ્બાસામાં રહેતા દાતા હસમુખભાઈ ભુડિયાએ કરેલી જાહેરાતથી કચ્છી લેઉવા પટેલ સમાજની દીકરીઓ આગામી 25 વર્ષ સુધી માત્ર રૂ. 1ના ટોકન દરે શિક્ષણ મેળવી શકશે. કચ્છના જ્ઞાતીય ઇતિહાસમાં પ્રથમવાર એવી ઘટના બની છે, જેમાં એક પરિવારે 47 એકરના વિશાળ સંકુલમાં 12 જેટલી ઇમારતો બંધાવી સમાજને અપર્ણ કરી છે. આ દાતા છે મૂળ ફોટડીના અને હાલ મોમ્બાસામાં રહેતા દાતા હસમુખભાઈ ભુડિયા.
ભુજમાં હરિપર રોડ પર દાતા પરિવારે બનાવી આપેલા કન્યા રતનધામ અને સૂરજ શિક્ષણધામના લોકાર્પણ માટે લેઉવા પટેલ સમાજ દ્વારા અસ્મિતા પર્વ ઊજવાયો, જેના અંતિમ દિવસે શિક્ષણ માટે રૂ. 151 કરોડની જાહેરાત થઈ છે. માતૃશ્રી મેઘબાઈ અને પ્રેમજી જેઠા ભુડિયા, સ્વ.કેશવલાલ પ્રેમજી ભુડીયા, સ્વ. કાનજીભાઈ ભુડિયા, સ્વ. અરવિંદ ભુડિયા, વેલીબહેન સહિતના વડીલોની દાન પ્રવાહની સરવાણીને આગળ વધારતાં હસમુખભાઈ ભુડિયા, પુષ્પાબહેન ભુડિયા અને સમગ્ર ભુડિયા પરિવાર દ્વારા લક્ષ્મીની મહાગંગા વહેવડાવી શિક્ષણ અને આરોગ્ય માટે રૂ. 151 કરોડના માતબર રકમના દાનની જાહેરાત કરવામાં આવતાં ઉપસ્થિતોએ તાળીઓના ગડગડાટથી જાહેરાતને વધાવી હતી. આ રકમનો આગામી 25 વર્ષ માટે સમાજની કન્યાઓના શિક્ષણ માટે ઉપયોગ કરાશે, એટલે કે આગામી 25 વર્ષ સુધી કચ્છી લેઉવા પટેલ સમાજના શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરનારી દીકરીઓનો ખર્ચ દાતા પરિવારે ઉપાડ્યો છે, આ દીકરીઓએ માત્ર 1 રૂપિયો ટોકન જ આપવાનો છે. કચ્છની આ પહેલી ઘટના છે, જેમાં શૈક્ષણિક સંકુલ બનાવી આપનારા દાતાએ 25 વર્ષ સુધી કન્યાઓના ભણતર અને કેળવણીનો ખર્ચ પણ ઉપાડ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભુડિયા પરિવાર વિવિધ શહેરોમાં મા-બાપની સેવાઓ કરવાની પરંપરા આગળ વધારી રહ્યો છે અને ભોજન, પાણી, શિક્ષણ, આરોગ્ય, દવા, સારવાર જેવી સુવિધાઓ સહિતનાં કાર્યો કરવામાં આવે છે.

